અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આજે ફરી એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું સોનું ઝડપાયું છે. શારજહાથી આવેલા મુસાફરો પાસેથી 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી અવારનવાર સોનાની દાણચોરી ઝડપાતી હોવાનું સામે આવે છે. ત્યારે વધુ એકવાર શારજાહથી અમદાવાદ આવેલા મુસાફરો પાસેથી 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી છે. કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટે ચેકિંગ દરમિયાન મુસાફરો પાસેથી સોનું ઝડપી પાડ્યું છે. આ ત્રણ પૈકી બે મુસાફર કમરમાં બેલ્ટની અંદર પેસ્ટ બનાવીને મોટા જથ્થામાં સોનું છુપાવીને લાવ્યા હતા. હાલ આ ત્રણેય મુસાફરોની સઘન પૂછપરછ હાથ ધરાઇ છે.
- Advertisement -
શંકા જતાં કરાઈ પૂછપરછ
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે શારજહાથી અમદાવાદ આવેલી ફ્લાઈટના ત્રણ મુસાફરો ઇમિગ્રેશન કરાવીને કન્વેયર બેલ્ટ પરથી લગેજ લઇને કસ્ટમ્સ તરફ ગયા હતા. અહીં ફરજ પર હાજર અધિકારીઓને તેમના પર શંકા જતાં તેમને અટકાવ્યા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવતા તેઓ યોગ્ય જવાબો ન આપી શકતા અધિકારીઓને તેમના પર વધુ શંકા ગઈ હતી. જે બાદ ફરજ પર હાજર અધિકારીઓ દ્વારા લગેજ તપાસવામાં આવતા તેમાંથી કંઈ મળી આવ્યું નહોતું. જે બાદ તેમને મેટલ ડિટેક્ટરમાંથી પસાર કરતા બીપ અવાજ આવ્યો હતો.
બેલ્ટમાં 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી
જે અધિકારીઓ દ્વારા તપાસ કરાતા ત્રણ પૈકી બે મુસાફરોએ કમર પર પહેરેલા બેલ્ટમાં 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી હતી. ગેરકાયદે સોનુ લાવવાની આ મોડસ ઓપરેન્ડી જોઈને કસ્ટમ્સ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ભારતીય બજારમાં આ સોનાની કિંમત રૂ. 13 કરોડ થાય છે. તેઓ આ સોનું ક્યાંથી લાવ્યા હતા અને અમદાવાદમાં કોને આપવાનું હતું? એ દિશામાં પૂછપરછ હાથ ધરી છે.