ખાસ-ખબર સંવાદદાતા
નીતિ આયોગના ડેટા અનુસાર, શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ઘટાડવામાં વધુ સફળતા પ્રાપ્ત થઈ છે. નાણાકીય વર્ષ 2015-16 થી 2019-21 સુધીની મોદી સરકારના 5 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવવામાં સફળ રહ્યા છે. નીતિ આયોગના ડેટાના આધારે આ આંકડો સામે આવ્યો છે.
17 જુલાઈ 2023 ને સોમવારના રોજ નીતિ આયોગે ગરીબી રેખા પર રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક: એક પ્રગતિ સમીક્ષા 2023 શીર્ષકનો અહેવાલ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2015-16 અને 2019-21 વચ્ચે બહુપરિમાણીય ગરીબી ધરાવતા લોકોની સંખ્યા 24.85 ટકાથી ઘટીને 14.96 ટકા થઈ છે.
- Advertisement -
ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોની સૌથી વધુ સંખ્યામાં ઘટાડો થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોની સંખ્યા 32.59 ટકાથી ઘટીને 19.28 ટકા થઈ છે.
આ સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોમાં ગરીબી 8.65 ટકાથી ઘટીને 5.27 ટકા થઈ હતી. તમામ રાજ્યોમાં ગરીબોની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશમાં આ સમયગાળા દરમિયાન 3.43 લોકો ગરીબી રેખામાંથી બહાર આવી શક્યા છે. ઉત્તર પ્રદેશ પછી બિહાર અને મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનનો નંબર આવે છે.