પુત્રની સગાઈ કરવા પોરબંદર ગયા હોય તસ્કરોએ બનાવ્યું નિશાન
પોલીસે CCTV ચેક કરતાં બે શકમંદો નજરે પડતાં તપાસ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
શહેરમાં વધુ એક ચોરીને અંજામ આપી તસ્કરોને પોલીસને પડકાર ફેક્યો છે સંજય વાટિકામાં પરિવાર પુત્રની સગાઈ કરવા પોરબંદર ગયો હોય પાછળથી તસ્કરો 31 તોલા સોનું અને રોકડ સહિત 13.25 લાખની મતા ચોરી જતાં પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.
શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ સંજય વાટિકામાં રહેતાં શીતલબેન મનોજભાઈ સાણથરા ઉ.46એ 13.25 લાખની ચોરી અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરકામ કરે છે તેમના પતિ મનોજભાઈ દુબઈ રહે છે અને સંતાનમાં એક પુત્ર છે ગઈકાલે પુત્ર સુભમની સગાઈ પોરબંદર હોવાથી તેઓ પરિવારજનો સાથે ગઈ તારીખ 8ના સવારે ઘરને લોક કરી નીકળ્યાં હતાં સગાઈ પ્રસંગ પૂરો કરી ગત રાત્રે પરિવારજનો ઘરે પરત આવતાં ઘરમાં નીચેના માળે માલસામાન વેરવિખેર પડેલ હતો બાદમાં તુરંત ઉપરના માળે આવેલ રૂમમાં તપાસ કરતાં બાલ્કની પાસેનું શટર ખુલ્લું હતું અને કબાટ પણ ખુલ્લો જોવા મળ્યો હતો તેમજ કબાટમાં રાખેલા 12.40 લાખની કિમતન 31 તોલા સોનુ અને રોકડા 85 હજાર ચોરી થઈ ગયાનું જાણવા મળ્યું હતું.
- Advertisement -
કોઈ અજાણ્યા તસ્કરો ફરિયાદીના ટેનામેન્ટની વંડી ટપી મકાનમાં પ્રવેશી ઉપરના માળે આવેલ શટર તોડી રૂમમાં પ્રવેશી કબાટનો લોક તોડી રૂ.13.25 લાખનો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટ્યાની જાણ કંટ્રોલમાં કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એન.આઈ.રાઠોડ અને ટીમે ઘટનાસ્થળે દોડી જઈ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી સહિતનો પોલીસ કાફલો પણ મોડી રાત્રે દોડી ગયો હતો અને તપાસ કરતાં બે શખ્સો ચોરીને અંજામ આપી જતાં સીસીટીવીમાં કેદ થઈ ગયા હોય તે દિશામાં તપાસ હાથ ધરી હતી.



