પ્રથમ દિવસે જ વેરો ભરવા મનપા કચેરી લાંબી કતારો લાગી હતી
ચાલુ વર્ષથી વેરામાં આવેલા વધારાને કારણે મનપાની આવક વધી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાએ 12મી એપ્રિલથી વેરા વળતર યોજના શરૂ કરી છે. જેના પ્રથમ દિવસે જ મનપાને સારો વકરો થઈ ગયો છે. વેરા વસૂલાત શાખાના જણાવ્યા અનુસાર વેરો ભરવા માટે સિવિક સેન્ટર અને ઝોન ઓફિસોમાં લાઈન લાગવા ઉપરાંત ઓનલાઈન પણ ઘણી આવક થઈ હતી. બપોરે 1 વાગ્યા સુધીમાં જ 2 કરોડથી વધુની રકમ મળી ગઈ હતી.
સાંજે કચેરી બંધ થયા બાદ ઓનલાઈન પણ આવક આવતી રહી હતી જેને લઈને રાત્રે 9 વાગ્યા સુધીમાં જ 12500 મિલકતોના 6 કરોડ રૂપિયા વેરા વસૂલાત તરીકે મળ્યા હતા. ચાલુ વર્ષથી મિલકત વેરા અને પાણી વેરામાં આવેલા વધારાને કારણે મનપાની તિજોરી પણ ભરાવા લાગી છે. ડિસ્કાઉન્ટ હોવાથી નિયમિત કરદાતાઓ 31 મે પહેલાં જ વેરો ભરીને 10થી 16 ટકા સુધી છૂટ મેળવી રહ્યા છે. મનપાના નાણાકીય વર્ષ 2022-23માં ઐતિહાસિક 325 કરોડ રૂપિયાની વેરા વસૂલાતની આવક થઈ છે. આ માટે મનપાને 3.10 લાખ મિલકતનો વેરો મળ્યો હતો જ્યારે 2 લાખ જેટલી મિલકતનો વેરો બાકી રહ્યો હતો.