કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત, ગાંધીધામ નજીક એકજ સ્થળેથી 12 પેકેટ મળી આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. કચ્છના ગાંધીધામના ખારી રોહર પાસેના નિર્જન વિસ્તારમાંથી એક સાથે ડ્રગ્સના 12 પેકેટ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે. દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળી આવેલા ડ્રગ્સનું વજન 12 કિલોગ્રામ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂ. 120 કરોડ આંકવામાં આવી રહી છે. દરિયાકાંઠે એક સાથે એક જ જગ્યાએ ડ્રગ્સના આ પેકેટ કઈ રીતે આવ્યા? તે સવાલનો જવાબ મેળવવા હાલ પૂર્વ કચ્છ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
દેશમાં સૌથી મોટો 1600 કિમીનો દરિયાકાંઠો ગુજરાત ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં તણાઈને આવેલા ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી આવતા રહે છે. દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સના બિનવારસી પેકેટ જપ્ત કરવામાં આવતા હોય છે. ત્યારે વધુ એકવાર ગાંધીધામના ખારી રોહર પાસેથી 12 કિલો ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે. આ મામલે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાંરનો સંપર્ક સાધતાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ખારી રોહરની હદમાં આવતા દુર્ગમ કોસ્ટલ એરિયામાં પહોંચી હતી અને ડ્રગ્સનો 12 કિલોના જથ્થાને હસ્તગત કર્યો હતો.