આતંકીઓને ટાર્ગેટ બનાવતાં કરેલા ડ્રોન હુમલામાં સ્થાનિકોએ પણ જીવ ગુમાવ્યા
પાકિસ્તાનની સેનાએ આતંકીઓને ટાર્ગેટ બનાવતાં કરેલા ડ્રોન હુમલામાં સ્થાનિકોએ પણ જીવ ગુમાવ્યા છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે, આતંકવાદીઓની છાવણીમાં કરવામાં આવેલા હુમલામાં 12 આતંકીઓ માર્યા ગયા છે.
- Advertisement -
પાકિસ્તાનની સેનાએ શનિવારે સવારે આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ મરદાન જિલ્લાના કટલાંગમાં આવેલા સુદૂર પહાડી વિસ્તારમાં આતંકવાદીઓની છાવણી પર હુમલો કર્યો હતો. રેસ્ક્યૂ 1122ના પ્રવક્તા મોહમ્મદ અબ્બાસે જણાવ્યું કે, તેમણે જિલ્લા ઉપાયુક્તના નિર્દેશ પર મરદાન-સ્વાત મોટરવે પર સાત પુરૂષો અને બે મહિલાઓના મૃતદેહોને મેડિકલ કોમ્પ્લેક્સમાં મોકલી આપ્યા છે. આ મૃતકોની ઓળખ થઈ નથી. મૃતકોના ચીથરે ચીથરાં ઉડી ગયા હોવાથી તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. સ્થાનિકોનો દાવો છે કે, મૃતકો સ્વાત જિલ્લાના પશુ ચરાવનારા હતાં. તેમનો આતંકીઓ સાથે કોઈ સંબંધ નથી.
પાકિસ્તાની સેનાની આ કાર્યવાહીના લીધે નિર્દોષોના જીવ જતાં સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે મૃતકોના શબને મોટરવે પર મૂકી વિરોધ પ્રદર્શન કર્યો હતો. પરંતુ વાટાઘાટો બાદ અંતે તેઓ શબને ડીએનએ ટેસ્ટ માટે આપવા સહમત થયા હતા. એક અધિકારીએ દાવો કર્યો હતો કે, આ ઓપરેશનમાં 12 આતંકવાદી ઠાર થયા છે. જેમાં ઘણા કુખ્યાત આતંકી પણ સામેલ હતાં. જેમના માથે લાખો રૂપિયાનું નામ હતું.
કુખ્યાત આતંકીઓના ઢીમ ઢાળ્યાં
- Advertisement -
પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું હતું કે, ડ્રોન અટેકમાં માર્યા ગયેલા એક આતંકી મોહસિન બાકિરના માથે 70 લાખ પાકિસ્તાની રૂપિયાનું ઈનામ હતું. બીજા એક કમાન્ડર અબ્બાસના માથે 50 લાખ પાકિસ્તાની રૂપિયાનું ઈનામ હતું. સેનાને આ વિસ્તારમાં હથિયારબંધ આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી. જેના ભાગરૂપે ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, આ ઓપરેશનમાં ઘણા સામાન્ય નાગરિક પણ ભોગ બન્યા છે.
પીડિતોના પરિવારને આર્થિક રાહતની જાહેરાત
ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી અમલી અમીન ગંદાપુરે નાગરિકોની મોત પર શોક વ્યક્ત કરતાં નિંદનીય હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ઘાયલોને તુરંત સારવાર પ્રદાન થઈ રહી છે. પીડિતોના પરિવારને રાહત અને વળતર આપવાની તૈયારી થઈ રહી છે. વિસ્તારના નાગરિકોની સુરક્ષાને જાળવી રાખવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેથી ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થાય. ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી સૂચના સલાહકાર બેરિસ્ટર મોહમ્મદ અલી સૈફએ નિર્દોષ લોકોની મોત પર ઊંડુ દુઃખ વ્યક્ત કર્યું છે. સરકાર આ કપરાં સમયમાં પીડિતોના પરિવારની સાથે છે. આ પ્રકારના ઓપરેશનમાં નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.