ધસમસતા પાણીના પ્રવાહમાં લોકોને ન પ્રવેશવા સૂચના આપી હોમગાર્ડનો બંદોબસ્ત પણ રસ્તા પર ગોઠવી દેવાયો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.29
પોરબંદર સહિત રાજ્યભરમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હોવાના પગલે ગઈકાલથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો હોવાની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક અને સાવચેત છે. પોરબંદર તથા ઉપરવાસના જિલ્લાઓમાં ભારે પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસના વિસ્તારના વરસાદનું પાણી પોરબંદર જિલ્લામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી અને જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર, જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા પણ ગ્રામ્ય પંથકમાં લોકોને પાણીના પ્રવાહમાં ન પ્રવેશવા જણાવવામાં આવ્યું છે.
- Advertisement -
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોની સલામતીને ધ્યાને લઇને જોખમી રસ્તા પર હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અતિ ભારે વરસાદની સ્થિતિમાં પોરબંદર જિલ્લામાં મોટાભાગના રસ્તાઓ પર પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. ઉપરવાસના વિસ્તારમાંથી પણ પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે, આથી લોકોની સલામતી અને સાવચેતીને ધ્યાને લઈ અનેક રસ્તાઓ પર લોકોને અવરજવર ન કરવા સૂચના આપી દેવામાં આવી છે તેમજ સ્ટેટના 12 અને પંચાયત વિભાગના 74 માર્ગો બંધ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.