વારંવાર સૂચના છતાં ન માનનાર સામે મનપાની કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગરમાં ખીજડીયા હનુમાન રોડ, ટાંકી ચોક, પતરાવાળી, જવાહર ચોક સહિતના વિસ્તારમાં ઊભા રહેતા લારી ધારકોને દૂર કરીને રસ્તા ખુલ્લા કરાવવામાં આવ્યા છે. વારંવાર સૂચનાઓ આપવા છતાં હજુ પણ લારીધારકો મુખ્ય રસ્તા ઉપર લારીઓ લઇને આવી જાય છે. આથી કમિશનર નવનાથ ગવહાણેની સૂચનાથી દબાણ વિભાગના મયુરસિંહ સહિતની ટીમ રોજ મુખ્ય રસ્તાઓ ઉપર પેટ્રોલિંગ કરી રહી છે. મંગળવારે મનપાની ટીમ અને પોલીસ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ચેકિંગ માટે નીકળ્યા હતા ત્યારે શાકમાર્કેટ પાસે, જવાહર ચોક સહિતના વિસ્તારમાંથી રસ્તા ઉપર ઊભી રાખેલી કુલ 12 લારી જપ્ત કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ ફ્રૂટની 8, કપડાની 2 અને પાણી પૂરીની 2 લારી મનપામાં લઇ જવામાં આવી હતી. પહેલી વાર પકડાયા હોય લારીમાં રહેલો તેમનો સામાન પરત આપી રૂ.500નો દંડ વસૂલ કરીને બીજી વાર ન આવે તે માટે લારીઓ જપ્ત કરાઈ હતી.