સુત્રાપાડાનાં ગામડાઓની શેરીઓમાં નદીઓ વહી, સવારનાં 4થી 8 સુધીમાં જ 8 ઇંચ
માંગરોળમાં 8 ઇંચ, કોડીનારમાં 10 ઇંચ અને વેરાવળમાં 5 ઇંચ વરસાદ
- Advertisement -
શાંતિપરા, ગડુમાં 10 ઇંચ સુધી વરસાદ પડયો: ગડુ નજીક નેશનલ હાઇવે પર પાણી ભરાયા
ખાસ-ખબર સંવાદદાતા
સોરઠનાં દરિયા કિનારાનાં તાલુકાઓને આજે વહેલી સવારે મેઘરાજાએ ધમરોળ્યાં હતાં. સવારનાં 4 વાગ્યાથી વરસાદ પડવાનો શરૂ થયો હતો, સવારનાં 10 વાગ્યા સુધીમાં 11 ઇંચ સુધી વરસાદ પડી ગયો હતો. ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડામાં સવારનાં 4 થી 8 વાગ્યા વચ્ચે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. આ ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. સુત્રાપાડામાં 12 વાગ્યા સુધીમાં 12 ઇંચ વરસાદ વરસી ગયો હતો. જેના પગલે તાલુકાનાં ગામડાઓની શેરીઓમાં નદીઓ વહેવા લાગી હતી. આ ઉપરાંત કોડીનારમાં 10,વેરાવળમાં 5 અને જૂનાગઢ જિલ્લાનાં માંગરોળમાં 8 ઇંચ વરસાદ વરસી ગયો હતો. માળિયાનાં શાંતિપરામાં 12 ઇંચ વરસાદ વરસી ગયો છે.તેમજ ગડુમાં નવ ઇંચ જેટલો વરસાદ થયો છે. જેના પગલે ગડુ નજીક સોમનાથ-જેતપુર નેશનલ હાઇવે ઉપર પાણી ભરાયા હતાં. તેમજ દરિયા કિનારાનાં ગામડાઓમાં ભારે વરસાદનાં પગલે ખેતરોમાં પાણી ભરાયાં હતાં. આજે સવારનાં લોકો મીઠી ઉંઘ માણી રહ્યાં હતાં. ગઇકાલે રાત્રી પછી ખાસ વરસાદ ન હતો. સામાન્ય ઝાંપટા પડતા હતાં. પરંતુ રાત્રીનાં 3 વાગ્યા પછી સોરઠનાં દરિયા કિનારનાં તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ. સોરઠનાં ચાર તાલુકામાં 5 ઇંચથી લઇ 11 ઇંચ સુધી વરસાદ વરસી ગયો. તેમા પણ ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડામાં સવારનાં 4 થી 6 વચ્ચે 4 ઇંચ બાદ 6 થી 8 વચ્ચે વધુ ચાર ઇંચ વરસાદ થયો હતો. ગીર સોમનાથનાં સુત્રાપાડામાં સવારનાં 12 વાગ્યા સુધીમાં સાંબેલાધાર 12 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. નદીઓમાં ઘોડાપુર આવ્યાં હતાં. તાલુકાનાં ગામડાની શરીઓ નદી બની વહેવા લાગી હતી. લોકોનાં ઘરમાં પાણી ભરાઇ ગયા હતાં. સતત વરસાદનાં પગલે સુત્રાપાડા તાલુકાનાં લોકોનાં જીવ પડીકે બંધાઇ ગયા હતાં. સુત્રાપાડામાં સતત આઠ કલાક વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાની સાથે કોડીનારમાં પણ મધ્યરાત્રીથી વરસાદની એન્ટ્રી થઇ હતી. કોડીનાર તાલુકામાં 10.48 ઇંચ વરસાદ વરસી ગયો હતો. તેમજ વેરાવળ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથ જિલ્લાનાં ઉનામાં દોઢ ઇંચ, તાલાલામાં એક ઇંચ, ગીરગઢડામાં અડધો ઇંચ વરસાદ થયો હતો. માંગરોળમાં 8 ઇંચ વરસાદ વરસી ગયો હતો. માંગરોળમાં ઠેરઠેર પાણી ભરાયા હતાં. માળિયા હાટીના તાલુકામાં બે ઇંચ વરસાદ થયો હતો. કેશોદમાં એક ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ જિલ્લાનાં વંથલી, મેંદરડા, વિસાવદર, ભેંસાણમાં આજે વરસાદ નોંધાયો ન હતો. જૂનાગઢ શહેરમાં સવારથી તડકો દેખાયો હતો. સોરઠનાં દરિયા કિનારનાં તાલુકામાં હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે.
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લામાં NDRFની ટીમ તૈનાત
દરિયા કિનારનાં વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની શકયતા દર્શાવતી આગાહી કરી છે. આવી કપરી સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફની એક ટીમને સોમનાથ ખાતે મોકલી સ્ટેન્ડ બાય રાખી છે. ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બની આગોતરી તૈયારી કરી છે. જિલ્લા કલેક્ટરએ જિલ્લા કરાયેલા ડિઝાસ્ટર અંતર્ગતની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુચના આપી છે.
દરિયા કિનારનાં ગામડામાં પણ ભારે વરસાદ
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં દરિયા કિનારનાં ગામડાઓમાં પણ ભારે વરસાદ થયો હતો. રસ્તાઓમાં નદીઓ વહી હતી જ્યારે ખેતરોમાં પાણી ભરાયા હતા.
પેઢાવાડા પાસે પુલ બંધ થયો
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે સોમનાથ – કોડીનાર નેશનલ હાઇવે પર પેઢાવાડા ગામનો પુલ બંધ થયો હતો. પોલીસે દોડી જઇ ટ્રાફીક સુત્રાપાડા ફાટકથી કોડીનાર તરફ વાળ્યો હતો.