જિલ્લામાં ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ‘આભ ફાટ્યા’ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ મેંદરડામાં 12.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે ચોતરફ પાણી ફરી વળ્યા છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. આ સાથે કેશોદ અને વંથલીમાં 10 ઇંચ જ્યારે માંગરોળ અને માળીયા હાટીનામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
- Advertisement -
જૂનાગઢ શહેર જળમગ્ન બન્યું:
શહેરમાં સવારથી ચાર કલાકમાં જ 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. ભારે વરસાદના લીધે ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવર છલકાઈ ગયું હતું. શહેરના મુખ્ય માર્ગો પૈકી ઝાંઝરડા રોડનો અંડરબ્રિજ પાણીથી છલોછલ ભરાઈ જતાં વાહન વ્યવહાર થંભી ગયો હતો. જેના કારણે તમામ વાહનોને ગિરિરાજ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા અને ચાર કલાક સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા પોલીસને મહામુસીબતે ટ્રાફિક હળવો કરવો પડ્યો હતો.
નદીઓ ગાંડીતૂર બની,
ઘેડ પંથક બેટમાં ફેરવાયો:
જિલ્લામાં વરસેલા અતિભારે વરસાદના કારણે ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે અને તેમનો સંપર્ક તૂટી ગયો છે. મેંદરડા પંથકમાં મધુવંતી નદી બે કાંઠે વહેવા લાગી છે, જેના કારણે મેંદરડા-સાસણ સ્ટેટ હાઇવે બંધ થયો છે. આ ઉપરાંત, ઓઝત, સાંબળી અને નોરી જેવી નદીઓ પણ ઉફાન પર છે, જ્યારે માણાવદરનો રસાલા ડેમ પણ ઓવરફ્લો થયો છે. ગિરનાર અને દાતાર પર્વત પરના ભારે વરસાદને કારણે કળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
પૂરની સ્થિતીમાં તંત્ર એલર્ટ,
- Advertisement -
રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયા:
આ ભારે વરસાદી પરિસ્થિતિમાં તંત્ર સાબદું બન્યું છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસીયાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. મેંદરડાના દાત્રાણા ગામે પૂરમાં ફસાયેલા અંદાજે 15 લોકોને જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર ટીમે સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. આ ઉપરાંત, વંથલીના લુવારસાર અને ધણફૂલીયા વચ્ચેના કાળવા ઓવરટોપિંગમાં કાર સાથે ફસાયેલા બેંક કર્મચારીઓને લુવારસાર ગામના સરપંચ અને ગ્રામજનોએ રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા.
ભારે વરસાદના કારણે વરસાદનો કહેર અને તંત્રની કામગીરી:
જિલ્લામાં ભારે વરસાદના કારણે માણાવદરમાં વીજળી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જિલ્લાના 35 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે, જ્યારે 52 ગામોમાં શાળા-કોલેજો અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે 9 રસ્તાઓ બંધ થયા છે અને એસટી નિગમ દ્વારા 6 બસ રૂટ રદ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતત ખડેપગે રહીને લોકોને મદદ કરી રહ્યા છે અને રાહત-બચાવ કામગીરી સતત ચાલુ છે.