આવક વધવાને કારણે મગફળીના ભાવ ઘટ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હાલ મગફળી અને કપાસની સિઝન હોવાથી યાર્ડમાં ભરપૂર આવક થઇ રહી છે. ગત સપ્તાહે પુષ્કળ આવકને કારણે યાર્ડમાં 5 દિવસ મગફળીની આવક બંધ રાખવી પડી હતી. પડતર મગફળીનો નિકાલ થયા બાદ યાર્ડમાં 11,100 ક્વિન્ટલ મગફળીની આવક થઇ હતી. ત્યારબાદ બુધવારથી નવી આવક બંધ કરવી પડી છે. પડતર મગફળીનો નિકાલ થતા હજુ બે દિવસ લાગે તેવી સંભાવના છે. જે બાદ નવી આવક સ્વીકારાશે. બીજી તરફ મગફળીની આવક વધવાથી મગફળીના ભાવમાં ઘટાડો થયો હતો. જેને કારણે સિંગતેલમાં પણ ભાવ ઘટ્યા હતા. એક દિવસમાં કપાસમાં 80 હજાર કિલોની આવક વધુ થઇ છે.
બુધવારે મગફળીનો ભાવ રૂ.850થી લઇને રૂ.1150 સુધી બોલાયો હતો. મંગળવારે તેનો ભાવ રૂ.900થી 1100 સુધી બોલાયો હતો. જોકે કપાસની આવક વધી છે, તેનો ભાવ સ્થિર જોવા મળે છે. બુધવારે એક મણ કપાસનો ભાવ રૂ.1350થી 1480 સુધી બોલાયો હતો. હજુ માર્ચ મહિના સુધી મગફળી અને કપાસની આવક યથાવત જોવા મળશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. મગફળીની આવકથી ઓઇલમિલમાં 24 કલાકના કામકાજ જોવા મળી રહ્યા છે.