ગીતા જયંતિએ ટ્રસ્ટ દ્વારા 60મા સ્થાપના દિવસની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજથી 59 વર્ષો પૂર્વે રાજકોટમાં જંકશન પ્લોટ ખાતે ગીતા પ્રચાર-પ્રસારના હેતુથી ગીતા વિદ્યાલય સંસ્થાની સ્થાપના કરી હતી. આ વર્ષે રાજકોટમાં જંકશન પ્લોટ, પોલીસ ચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં માગશર સુદ એકાદશી ને ગીતા જયંતિએ સાંજે 4-00થી 7-00 દરમિયાન ભગવદ્ગીતાના અઢાર અધ્યાયના સંપૂર્ણ ગીતાપાઠના ભગવદ્ગીતા પારાયણનું આયોજન થયું હતું. ગીતા વિદ્યાલયના ધૂપ, દીપ અને પુષ્પોની સુવાસથી મહેંકતા પ્રાર્થના સત્સંગ સભાખંડમાં 111 ભાવિકોએ શુદ્ધ ઉચ્ચાર સાથે ગીતાજીના 700 શ્ર્લોકોના સામૂહિક સંપૂર્ણ ગીતાપાઠ કર્યા હતાં. ભાવિકોને ગીતાપાઠ માટે ગીતાજીનું પુસ્તક સંસ્થામાંથી આપવામાં આવ્યું હતું. આ તકે ભગવદ્ગીતાનું શાસ્ત્રોક્ત પૂજન થયું હતું. સંસ્થાના સંચાલક ડો. કૃષ્ણકુમાર મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ગીતાપાઠને અંતે ભગવદ્ગીતાની આરતી થઈ હતી તથા સુમધુર ફરાળી પ્રસાદીનું વિતરણ થયું હતું. આ તકે ગીતા વિદ્યાલય ટ્રસ્ટ સંસ્થાનો 60નો સ્થાપનાદિન ઉજવાયો હતો.