ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક વારસો ગણાતા હેરિટેજને સાચવવા માટે અનેકવિધ પ્રયત્નો કરવામા આવતાં હોય છે. હેરિટેજ એ જે-તે જિલ્લા અને દેશની આગવી ઓળખ હોય છે, ત્યારે રાજકોટ જિલ્લાની 11 હેરિટેજ શાળાઓનુ રૂ.5.14 કરોડના ખર્ચે નવનિર્માણ થવા જઈ રહ્યું છે. આ અંગે ચૂંટણી જાહેર થયા પહેલા જ નિર્ણય લેવામાં આવી ચૂક્યો છે. ધોરાજી અને ઉપલેટામાં આંતરિયાળ વિસ્તારોમાં આવેલી રાજાશાહી સમયની પ્રાથમિક શાળાઓ છેલ્લા ઘણાં સમયથી જર્જરિત હોવાથી નવનિર્માણ ઝંખતી હતી. આ દરમિયાન આ પ્રાથમિક શાળાઓનાં રીનોવેશનની કામગીરી થતાં આ શાળાઓએ એક નવી જ ઓળખ પ્રાપ્ત થશે.
ધોરાજીની 6 શાળાઓ માટે રૂ. 2.76 કરોડ તો ઉપલેટાની 5 શાળાઓનો રૂ. 2.37 કરોડના ખર્ચે ર્જીણોદ્ધાર કરવામા આવશે. જેનાથી રાજાશાહી સમયની આ શાળાઓનો ઐતિહાસિક વારસો પણ સચવાશે અને જર્જરિત શાળાઓનુ પુન: નિર્માણ થતાં શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ મળશે.
- Advertisement -
આ તકે કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, મહારાજા ભગવતસિંહજીના શાસન કાળમાં રાજકોટ જિલ્લાના ગોંડલ, ઉપલેટા,ધોરાજી વિસ્તારોમાં ખૂબ સારો વિકાસ થયો હતો. તેઓ આધુનિક શિક્ષણના પ્રણેતા અને દૂરંદેશી શાસક હતા. તેમણે 20મી સદીના પ્રારંભમાં દરેક ગ્રામ વિસ્તારમાં શાળાઓ બંધાવી, જે શાળાઓમાંથી જિલ્લાના અનેક સમાજસેવકો, નેતાઓએ શિક્ષણ મેળવી સમાજમાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે. આ 11 શાળાઓના રૂ. 5,14,43,107 ના ખર્ચે પુન: નિર્માણ થકી 1,737 વિદ્યાર્થીઓને લાભ મળશે. આ સાથે જ હાલ જર્જરિત શાળાઓનું આગામી સમયમાં જીર્ણોદ્ધાર થતા જિલ્લાના અંતરિયાળ તાલુકાઓમાં શિક્ષણ પ્રવૃત્તિને વેગ મળશે તેમજ ઐતિહાસિક વારસાનું જતન પણ થશે.
ધોરાજીની 6 શાળાઓનું રૂ. 2.76 કરોડનાં ખર્ચે રિનોવેશન થશે
સ્કૂલ વિદ્યાર્થીની સંખ્યા ખર્ચ
નાની પરબડી પ્રા.શાળા -124- 25.4 લાખ
જમનાવડ પ્રા.તાલુકા શાળા -220- 50.56 લાખ
મોટી વાવડી પ્રા.શાળા -200 -50.56 લાખ
વેગાડી પ્રા.શાળા -170-50.56 લાખ
ભુખી કુમાર પ્રા.શાળા -130- 50.56 લાખ
ભોળા પ્રા.શાળા -98 -49.43 લાખ
કુલ -942 -2.76 કરોડ
- Advertisement -
ઉપલેટાની 5 પ્રાથમિક શાળાઓનું 2.37 કરોડનાં ખર્ચે ર્જીણોદ્ધાર થશે
સ્કૂલ વિદ્યાર્થીની સંખ્યા ખર્ચ
ખીરસરા પ્રા.શાળા -239- 61.24 લાખ
મેખાટીંબી તા.શાળા -103- 28 લાખ
કાથરોટા પ્રા.શાળા -156- 50.56 લાખ
વડાલી પ્રા.શાળા -148- 48 લાખ
તેલંગાણા તા.શાળા -149- 49.88 લાખ
કુલ -795 -2.37 કરોડ