ત્રણ-ત્રણ વર્ષથી એક જ સ્થળે નોકરી કરનારાની ટ્રાન્સફર કરાઈ
વધુ 70 કર્મીની ભરતીની કવાયત શરૂ
- Advertisement -
ગઘઈ સહિતની ઝડપી કામગીરી માટે ફાયર વિભાગનું વિભાજન, વોર્ડ વાઈઝ કામગીરી સોંપાઈ,
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર એન.ઓ.સી.ની કામગીરી અગ્રતાથી ચાલી રહી છે. ત્યારે લોકોની ડિમાન્ડ પ્રમાણે ઝડપી કામગીરી થાય તેવા આશયથી ફાયર બ્રિગેડનું બે ભાગમાં વિભાજન કરીને કામગીરીના ભાગલા કરી દેવા દરખાસ્ત તૈયાર થઈ છે. એટલું જ નહિ ફાયર શાખામાં નવા 70 કર્મચારીઓની ભરતી માટે પણ કવાયતો શરૂ કરવામાં આવી રહ્યાની વિગતો પ્રાપ્ત થઈ છે. દરમિયાન 11 સ્ટેશન ઓફિસરની બદલીઓ કરી નાખી તમામ ફાયર સ્ટેશનમાં ફેર બદલીઓ કરી દેવામાં આવી છે. આ સાથે જ તમામ ફાયર સ્ટેશન ઓફિસરને વોર્ડ વાઈઝ કામગીરી સોંપવામાં આવી છે.
ગેમ ઝોન કાંડ બાદ ફાયર સ્ટેશનમાં ત્રણ ત્રણ વર્ષથી એક જ સ્થળે કામ કરનારાઓને બદલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે 11 ફાયર સ્ટેશનના ઓફિસરોના ઓર્ડર કરી દેવાયા હતા. તમામ મથકના સ્ટેશન ઓફિસરને બદલી કરી દેવાયા છે અને વધુ કેટલાક કર્મચારીઓની બદલી કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ કહ્યું હતું. ફાયર સ્ટેશન ઓફિસરની બદલી સાથે તેમને નવી જવાબદારી પણ સોંપવામાં આવી રહી છે.
- Advertisement -
આ ઉપરાંત બે વિંગમાં ફાયર શાખા કામ કરશે. જેમાંથી એક શાખાને એનઓસી માટેની તમામ કામગીરી કરવાની રહેશે.
જ્યારે બીજો વિભાગ ફાયરના કોલ એટેન્ડ કરી રેસ્ક્યૂ સહિતની કામગીરી સંભાળશે. આ દિશામાં ઝડપથી નિર્ણયો આવી રહ્યા છે.
ફાયર એનઓસી તેમજ ફાયર વિભાગની મહત્વની કામગીરી અંગે દરેક વોર્ડના વિસ્તારની નજીકના મથકમાં ફાળવણી કરવામાં આવ્યાની વિગતો પ્રાપ્ત થઈ છે. અત્યારસુધી અધિકારી હુકમ કરે તે પ્રમાણે તપાસ અને અન્ય કામગીરી ચાલતી હતી. જેમાં માનીતા કર્મચારીઓને જ મલાઈદાર કામગીરી માટે રાખવામાં આવતા હતા. હવેથી દરેક કાયર સ્ટેશનમાંથી નિયત થયેલા વિસ્તારમાં નક્કી થયેલા અધિકારીએ જ તપાસણીની કામગીરી કરવાની રહેશે. દરેક વોર્ડમાં ફાળવણી થઈ છે અને તે પ્રમાણે જ રિપોર્ટ લેવાશે.



