નિરાધાર પરિવારોએ કલેક્ટર કચેરીએ ધામા નાખીને રામધૂન બોલાવી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના ચકમપર ગામે તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારીની સુચનાથી ગૌચર જમીન પર દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે બાદ જે સ્થળેથી દબાણ દુર કરવામાં આવ્યા હતા જેને પગલે 11 જેટલા એક જ કુટુંબના પરિવારો ઘરવિહોણા બન્યા છે ત્યારે જેમનો આશરો છીનવાયો તે પરિવારો ગઈકાલે જિલ્લા કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતા અને ગ્રામ પંચાયત દ્વારા રાગ દ્વેષ રાખી ખોટી રીતે નોટીસ આપીને દબાણ દુર કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો અને જીલ્લા કલેકટર કચેરી બહાર રામધુન બોલાવી વિરોધ કર્યો હતો.
આ પરિવારોએ માંગણી કરી હતી કે, હાલ તેઓના ઘર તોડી પાડવામાં આવતા તેઓ ખુલ્લી જગ્યામાં રહેવા મજબુર બન્યા છે જેથી તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેમજ જ્યાં સુધી નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ જગ્યા ખાલી ન કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
તેઓએ જણાવ્યું હતું કે, હાલ તેઓ જે જગ્યા પર છે ત્યાં તેમની ખાદ્ય સામગ્રી અને જીવનજરૂરી ચીજ વસ્તુઓ પડી હોય તેમજ તેઓની સાથે નાના બાળકો પણ હોય જેથી તેઓને નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી હટાવવામાં ન આવે, તેમના માટે રહેવાની વ્યવસ્થા થાય તેવી સુચના ગ્રામ પંચાયતને આપવામાં આવે તેવી રજૂઆત સાથે લોકોએ કલેકટર ચેમ્બર બહાર જ બેસીને રામધુન બોલાવી આ મુદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.