ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામના વાડી વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાને પ્રસવપીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળતાં જ 108ના ઇએમટી કમલેશ ઝીંઝુવાડીયા અને પાઈલટ રોહિત જલુ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.
મહિલાને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા બાદ રસ્તામાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. આ સંજોગોમાં ઇએમટી કમલેશ ઝીંઝુવાડીયા અને પાઈલટ રોહિત જલુએ સમયસૂચકતા વાપરીને એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાનું નક્કી કર્યું. ડિલિવરી દરમિયાન બાળકના ગળા ફરતે ગર્ભનાળ વીંટળાયેલી હતી, જેને ઇએમટી કમલેશે કુશળતાપૂર્વક દૂર કરી અને સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી હતી આ દરમિયાન અમદાવાદ હેડ ઓફિસના ડો. મિહિર સાથે ફોન પર વાત કરીને જરૂરી માર્ગદર્શન પણ મેળવવામાં આવ્યું હતું. આ સમયસરની અને સચોટ સારવારને કારણે માતા અને બાળક બંને સ્વસ્થ છે. 108ની આ સરાહનીય કામગીરી બદલ જૂનાગઢ જિલ્લાના અધિકારી યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર આકાશ દ્વારા કર્મચારીઓની પ્રશંસા કરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે 108 સેવા ખરેખર જીવન બચાવવાનું કાર્ય કરે છે.



