સરકાર સ્તબ્ધ: બોગસ પેઢીઓ મારફત ગેરકાયદે ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવાયાનો આંકડો ઘણો મોટો રહેવાની આશંકા
ખાસ-ખબર સંવાદદાતા
જીએસટી કૌભાંડો રોકવા માટે બોગસ રજીસ્ટ્રેશન નંબરો ધરાવતી પેઢીઓ પકડવા હાથ ધરાયેલા દેશવ્યાપી-અભિયાનનાં પ્રથમ જ સપ્તાહમાં 10000 બનાવટી પેઢીઓનો પર્દાફાશ થઈ ગયો છે અને તેના રજીસ્ટ્રેશન નંબરો રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.ઈન્ડાયરેકટ ટેકસ બોર્ડ દ્વારા બોગસ રજીસ્ટ્રેશન નંબર-પેઢીઓના ફીઝીકલ, વેરીફીકેશન માટે ગત 16મીથી દેશવ્યાપી અભિયાન છેડવામાં આવ્યું છે. શંકાસ્પદ નંબરોનું લીસ્ટ તૈયાર કરીને ડોર-ટુ-ડોર વેરીફીકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના પ્રથમ સપ્તાહમાં જ 10000 બોગસ રજીસ્ટ્રેશન પકડાયા હોવાનું બોર્ડના એક સીનીયર અધિકારીએ કહ્યું હતું.
- Advertisement -
સૂત્રોના કહેવા પ્રમાણે બનાવટી જીએસટી રજીસ્ટ્રેશન મેળવવા માટે કૌભાંડકારો દ્વારા બોગસ વિજબીલો પ્રોપર્ટી ટેકસની બનાવટી રસી તથા ખોટા ભાડા કરારનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ખુલાસા થયા છે.
અત્યાર સુધીમાં 10000 જીએસટી રજીસ્ટ્રેશન નંબરના આધારે બોગસ પેઢીઓ સ્થપાયાનો પર્દાફાશ થયો છે તેના આધારે કેટલી રકમની ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવવામાં આવી હતી અને કેટલી રકમનું કૌભાંડ આચરવામાં આવ્યુ છે તેને આંકડાકીય રીપોર્ટ કાઢવાનો બાકી છે છતાં પ્રાથમીક અંદાજમાં આ આંકડો 25000 કરોડ કે તેથી વધુનો હોઈ શકે છે. જો કે સમગ્ર અભિયાન પૂર્ણ થયા બાદ જ કૌભાંડનો વાસ્તવિક આંકડો બહાર આવી શકશે.



