ચોટીલામાં ‘ભારત ગૌરવ યાત્રા’નું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
ચોટીલા ખાતે 1942ના ઐતિહાસિક ’ભારત છોડો’ આંદોલનની 83મી જયંતી અવસરે ’ભારત ગૌરવ યાત્રા – તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ’હર ઘર તિરંગા’ અને ’નારી વંદન ઉત્સવ’ અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર) ખાતે યોજાઈ હતી.
આ કાર્યક્રમનું આયોજન ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ તથા મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી (રાજકોટ) દ્વારા કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો પણ સહયોગ મળ્યો હતો.
આ યાત્રાનો મુખ્ય હેતુ નવી પેઢીને આપણી આઝાદીની લડત અને તેમાં નામી-અનામી સ્વાતંત્ર્ય-સેનાનીઓ અને શહીદ-વીરોના બલિદાનથી પરિચિત કરવાનો હતો. સાથે જ રાષ્ટ્ર-ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે આશય પણ હતો.
યાત્રામાં ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા, ચોટીલા નગરપાલિકા પ્રમુખ અલકાબેન મુકેશભાઈ શાહ, ચામુંડા ડુંગર મહંત પરિવારના જગદીશગીરીબાપુ ગોસાઈ અને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી સહિત મોટી સંખ્યામાં નગરજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.
શહેરની સજે. વી. એચ. દોશી પ્રાથમિક શાળા, આર.ટી. શાહ પ્રાથમિક શાળા, જે. યુ. કોઠારી પ્રાથમિક શાળા અને એન. એન. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં 1000 જેટલાં વિદ્યાર્થીઓએ આ યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
યાત્રા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ પાસેથી શરૂ થઈ હતી. ત્યાંથી રામ ચોક, મસ્જિદ શેરી, મુખ્ય બજાર, ટાવર ચોક, શેઠ અમૃતલાલ સુખલાલ માર્ગ અને ભાવસાર ચોકના માર્ગે થઈને પાછી જન્મસ્થળે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં 100 ફૂટના બે રાષ્ટ્રધ્વજ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.