પર્યાવરણનું જતન થાય, ગૌશાળા સ્વાવલંબી બને, વાતાવરણ શુદ્ધ થાય તે માટે રાજકોટની ગૌશાળાએ વૈદિક હોળી અભિયાન હાથ ધર્યું છે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની ગૌશાળામાં 100 ટન ગોબર સ્ટિક બનાવવામાં આવી છે. ગૌશાળાના સંચાલક દિલીપભાઈ સખિયાના જણાવ્યાનુસાર રાજકોટમાં બનેલી ગોબર સ્ટિક રાજ્યભરમાં પહોંચાડવામાં આવશે.ગોબર સ્ટિક ડિસેમ્બર માસથી શરૂ કરવામાં આવી છે. એક ગોબર સ્ટિકનો વજન એક કિલોથી લઈને 3 કિલો સુધી હોય છે. મશીન અને માણસ બન્નેની મદદથી ગોબર સ્ટિક તૈયાર થાય છે. ગોબર સ્ટિક તૈયાર થયા બાદ તેને ખેતરમાં સૂકવવામાં આવે છે. હોળીના તહેવારમાં પર્યાવરણને નુકસાન થાય નહીં અને ગૌશાળા પણ આત્મનિર્ભર બને તે માટે ગૌશાળાના સંચાલક અને પર્યાવરણપ્રેમી ગત વર્ષની જેમ આ વર્ષે પણ આગળ આવ્યા છે. તેઓએ વૈદિક હોળી યજ્ઞ હાથ ધર્યો છે. જે અંતર્ગત ગૌશાળાના સંચાલકોએ 100 ટન થી વધુ ગોબર સ્ટિક બનાવી છે અને 300 થી વધુ હોળીના આયોજક, સંચાલક મંડળો હોળીમાં ગોબર સ્ટિકનો વપરાશ કરશે. આમના બે ફાયદા થશે એક તો લાકડાં માટે વૃક્ષોનું નિકંદન નીકળશે નહિ અને ગોબર સ્ટિકનો વપરાશ થવાને કારણે વાતાવરણ પણ શુદ્ધ બનશે.
ગોપી ગીર ગુરુકુળ ગૌશાળાના સંચાલક દિલીપભાઈ સખિયાએ જણાવ્યું હતું કે, વૈદિક હોળી યજ્ઞની શરૂઆત છેલ્લા ત્રણ. વર્ષથી કરવામાં આવી છે અને હવે ચોથા વર્ષે પણ વૈદિક હોળી યજ્ઞ માટે તૈયારીઓ કરી છે. પ્રથમ વર્ષે શરૂઆતમાં 10 ટન ગોબર સ્ટિક બનાવી હતી જે બાદ બીજા વર્ષે 70 ટન, ત્રીજા વરધે 90 ટન અને આ વર્ષે 100 ટનથી વધુ ગોબર સ્ટિક બનાવી છે. ગોબર સ્ટિક બનાવવા માટે અંદાજિત છેલ્લા એક મહિનાથી તૈયારી ચાલતી હતી. ગોબર સ્ટિક બનાવવા માટે અલગ અલગ ગૌશાળાના માણસો સતત 20 દિવસથી કામ શરૂ કર્યું છે. આ માટે ગાયોના છાણને અલગ- અલગ સ્થળેથી એકત્રિત કર્યું છે.
વૈદિક હોળીનો ફાયદો એ થયો કે, જે ગાય દૂધ નથી આપતી. તે ગાયનો નિભાવ ખર્ચ ઉપાડવા માટે કોઈ તૈયાર થતા નથી તેવી ગાયોનો નિભાવ ખર્ચ આ વૈદિક હોળી યજ્ઞ થકી નીકળતા હવે તેને ખોરાક મેળવવા માટે દર-દર ભટકવું નથી પડતું. ઉલ્લેખનીય છે કે ગોબર સ્ટિકનું વિતરણ રાજકોટ, નડિયાદ, અમદાવાદ, વડોદરા અને જામનગર સહિત સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં છૂટક લોકોને આપવામાં આવશે.
રણુંજા વોડીસાંગ, ગીરગંગા સંસ્થા દ્વારા ગોપી ગૌ ગુરુકુળ ગૌ શાળા 12 વર્ષ પહેલા માત્ર 5 ગાય સાથે ગૌશાળા શરુ કરાય હતી, તેમાં આજે 300 થી વધુ ગાયો નું જતન થાય છે ગૌશાળા માં અર્ક, નાના છાણા, અગ્નિહોત્ર યજ્ઞ માટે છાણા, સજીવ ખેતી માટે વર્મી કમ્પોસ્ટ ખાતર તેમજ ગાય ના શુદ્ધ ઘી, તેમજ ગાયનું શુદ્ધ દૂધ કાચની બોટલમાં ભરી ને છેલ્લા 10 વર્ષથી વેચાણ કરાઈ છે, ગત વર્ષે સંસ્થા દ્વારા શરુ કરાયેલ ઝુંબેશ અંતરગત 200 શેરી અને સોસાયટી માં ગૌમય કાસ્ટની મદદથી વૈદિક હોળી પ્રગટાવી હતી.