ખાસ-ખબર ન્યૂઝ રાણાવાવ
રાણાવાવ તાલુકાના ખીજદડ ગામે થયેલી ગંભીર લૂંટની ઘટનામાં પોલીસ દ્વારા નોંધપાત્ર સફળતા મેળવી સમગ્ર મુદ્દામાલનો 100 ટકા રિકવર કરી રાજ્ય સરકારના ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મૂળ ફરિયાદીને સોનાના દાગીના પરત સોપવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના હસ્તે ફરિયાદીને સોનું સુપ્રત કરવામાં આવ્યું હતું. તા.28/7/2025ના રોજ અજાણ્યા છ આરોપીઓએ ફરીયાદીના રહેણાંક વાડી મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પ્રાણઘાતક છરીઓ બતાવી લૂંટને અંજામ આપ્યો હતો. આરોપીઓએ પરિવારજનોને ધમકી આપી, બાળકના ગળે છરી રાખી જાનથી મારી નાખવાની ભયજનક ધમકી આપીને બન્ને રૂમમાં પુરી દીધા હતા. દરમિયાન કબાટોના લોક તોડી અને ચાવીઓથી ખોલી અંદર રહેલા સોનાના મંગળસૂત્ર, પેન્ડલ સેટ, ચેઈન, વીંટી, લક્કી તથા બુટ્ટી સહિત આશરે 27 તોલા સોનું અને રૂ.80,000 રોકડ મળી કુલ રૂ.19.70 લાખનો મુદ્દામાલ લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ રાણાવાવ પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી. પોરબંદરની ટીમે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી ઝડપી કાર્યવાહી સાથે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા અને સમગ્ર મુદ્દામાલ રિકવર કર્યો. રિકવર કરાયેલા મુદ્દામાલમાંથી કુલ 7 તોલા સોનું જિલ્લા પોલીસ વડાના હસ્તે ફરિયાદીને પરત સોપવામાં આવ્યું. જે પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક (ગ્રામ્ય) સુરજીત મહેડુ, રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર તથા એલ.સી.બી. પોરબંદરના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



