ઇઝરાયલના બોમ્બ ધડાકાઓથી ઇરાનનાં સૈન્ય મથકો ધણધણી ઊઠ્યાં
ઇઝરાયલી સેના દરેક રીતે તૈયાર છે: IDF
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
- Advertisement -
ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયલે 25 દિવસ બાદ જવાબી કાર્યવાહી કરી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઈઝરાયલે 3 કલાકમાં 20 ઈરાનના ટાર્ગેટ પર હુમલો કર્યો. હુમલો સવારે 2:15 વાગ્યે (ઇઝરાયલ સમય મુજબ) શરૂ થયો હતો. 5 વાગ્યા સુધી હુમલા ચાલુ રહ્યા, જેમાં મિસાઈલ ફેક્ટરીઓ અને સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ઈરાન પર 2.30 (સ્થાનિક સમય) પર હુમલાની જાણકારી આપી હતી. (IDF પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઈઝરાયલ 1 ઓક્ટોબરના હુમલાના જવાબમાં ઈરાન પર હુમલો કરી રહ્યું છે. હગારીએ કહ્યું હતું કે ઈરાન અને મધ્ય-પૂર્વમાં તેના સહયોગી 7 ઓક્ટોબર, 2023થી ઈઝરાયલ પર 7 મોરચે હુમલો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઈઝરાયલને પણ જવાબ આપવાનો અધિકાર છે. અમે ઇઝરાયલ અને અમારા લોકોના રક્ષણ માટે જે જરૂરી હશે એ કરીશું. ઈરાની મીડિયાના અહેવાલ મુજબ, આ હુમલા તેહરાનના ઈમામ ખોમેની ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે થયા હતા. એરસ્ટ્રાઈક બાદ અમેરિકાએ ઈઝરાયલનું સમર્થન કર્યું છે અને કહ્યું હતું કે આ ઈરાનના હુમલાનો જવાબ છે.
IDF પ્રવક્તાએ કહ્યું, થોડાં સમય પહેલાં IDFએ ઈરાનના અનેક ક્ષેત્રોમાં સૈન્ય ઠેકાણા વિરુદ્ધ સટીક હુમલા પૂર્ણ કર્યા. આ હુમલો હાલના મહિનામાં ઈરાનમાં ઇઝરાયલ રાજ્ય અને તેના નાગરિકો વિરુદ્ધ શાસનના હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા. જવાબી હુમલો પૂરો થઈ ગયો છે અને તેનો ઉદ્દેશ્ય પણ પ્રાપ્ત કરી લીધો છે. હુમલા બાદ ઈઝરાયલની સેનાએ ઈરાનને ધમકી આપી છે અને કહ્યું છે કે જો ઈરાન હવે પ્રતિક્રિયા આપવાની કોશિશ કરશે તો અમે દરેક રીતે તૈયાર છીએ. IDFના પ્રવક્તાએ કહ્યું, ‘ઈરાન મહિનાઓથી ઈઝરાયલ વિરુદ્ધ વારંવાર હુમલા કરી રહ્યું હતું. જેના જવાબમાં ઈઝરાયલે ઈરાનમાં સૈન્ય લક્ષ્યો પર સચોટ હુમલા કર્યા છે. વિશ્ર્વના દરેક સાર્વભૌમ દેશની જેમ, ઇઝરાયલને પણ જવાબ આપવાનો અધિકાર છે. અમારી રક્ષણાત્મક અને આક્રમક ક્ષમતાઓ સંપૂર્ણ રીતે કાર્યરત છે. અમે ઇઝરાયલ અને ઇઝરાયલી લોકોની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરીશું.’
ઈરાનમાં ઈઝરાયલના હુમલા બાદ, આઈડીએફના પ્રવક્તા ડેનિયલ હગારીએ ચેતવણી આપી હતી કે ઈરાન ફરીથી હુમલો કરવાની ‘ભૂલ’ કરશે તો ઈઝરાયલ જવાબ આપશે. હગારીએ કહ્યું કે અમે ઈરાનના હુમલાનો બદલો લીધો છે. અમે ઈરાનમાં તેમના સૈન્ય લક્ષ્યો પર ચોક્કસ હુમલા કર્યા. ઈઝરાયલના હુમલા બાદ અમેરિકાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકાએ કહ્યું કે ઈરાન પર ઈઝરાયલના હુમલા બાદ બંને દુશ્મન દેશોની વચ્ચે સૈન્ય હુમલા બંધ થવા જોઈએ. સાથે જ અમેરિકાએ તહેરાનને ચેતવણી આપી છે કે તે ઈઝરાયલ વિરુદ્ધ કોઈ વળતો હુમલો ન કરે.
- Advertisement -
અમેરિકાએ કહ્યું છે કે ઈરાન પર ઈઝરાયલના હુમલાથી હિસાબ બરાબર થઈ ચૂક્યો છે. હવે બંને દુશ્મન દેશોની વચ્ચે પ્રત્યક્ષ સૈન્ય હુમલા બંધ થવા જોઈએ. અમેરિકાએ ઈરાનને હવે ઈઝરાયલ પર જવાબી હુમલા કરવા પર પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી મીડિયામાં આ સમાચાર ચાલી રહ્યાં છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના તંત્રને લાગે છે કે ઈઝરાયલી અભિયાનના ઉપરાંત હવે બંને દેશોની વચ્ચે સીધા સૈન્ય હુમલા બંધ થવા જોઈએ. વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ‘અન્ય સહયોગી દેશ પણ સૈન્ય હુમલા બંધ કરવાને લઈને સહમત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને શુક્રવારે આખો દિવસ અભિયાન વિશે જાણકારી આપી. વ્હાઈટ હાઉસના નિયમો અનુસાર નામ ન ઉજાગર કરવાની શરત પર અધિકારીએ જણાવ્યું કે ઈઝરાયલી અભિયાન યોગ્ય ટાર્ગેટ પર હતુ. અમેરિકાની આ હુમલામાં કોઈ સંડોવણી નથી.
અમેરિકાની આ હુમલામાં કોઈ સંડોવણી નથી
ઈરાનની કબૂલાત હુમલામાં ત્રણ શહેરોમાં સૈન્ય ટારગેટ નષ્ટ થયા
ઈઝરાયલે શનિવારે વહેલી સવારે ઈરાનના સૈન્ય મથકો અને રાજધાની તેહરાન તથા તેની નજીકના શહેરો પર હુમલો કર્યો હતો. ઈરાનનું કહેવું છે કે, ઈઝરાયલના હુમલાએ ઈલમ, ખુઝેસ્તાન અને તેહરાનમાં સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા, જેનાથી ’મર્યાદિત નુકસાન’ થયું છે. એક અહેવાલ પ્રમાણે વિસ્ફોટોની જાણકારી હજુ સુધી નથી મળી. અમેરિકાના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, અમેરિકા ઈરાનમાં થયેલા વિસ્ફોટોથી વાકેફ છે અને સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યું છે. ઈરાન ઉપરાંત ઈરાક અને સીરિયામાં પણ અનેક બ્લાસ્ટ થયા હોવાની સૂચના મળી છે, જેના કારણે સીરિયન સેનાને પોતાની હવાઈ સુરક્ષાને સક્રિય કરવી પડી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે સીરિયાની રાજધાની દમાસ્કસમાં વિસ્ફોટની સૂચના મળી છે. દિયાલા અને સલાહ અલ-દિન ગવર્નરેટ્સની બહારના વિસ્તારમાં પણ વિસ્ફોટોની સૂચના મળી છે. ઈરાને તેહરાન, ખુઝેસ્તાન અને ઈલામ પ્રાંતમાં લશ્ર્કરી કેન્દ્રો પર હુમલાની વાત સ્વીકારી છે. ઈઝરાયલી મીડિયાના જણાવ્યા પ્રમાણે ઈરાન વિરુદ્ધ ત્રણ તબક્કામાં હુમલા કરવામાં આવ્યા છે.
ઇરાન પર હુમલાથી ભડક્યાં મુસ્લિમ દેશો, ઈઝરાયલને આપી ચેતવણી
ઈઝરાયલના હુમલામાં ઘાયલ ઈરાનને અમેરિકાની ધમકી
આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન
ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા બાદ ઈઝરાયલે પણ વળતો પ્રહાર કર્યો છે. સતત ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલાં હુમલાની હવે ઘણાં મુસ્લિમ દેશો ભડક્યાં છે અને જાહેરમાં ઈઝરાયલની નિંદા કરી રહ્યાં છે. ઓમાને ઈરાનના વિસ્તારમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની નિંદા કરી છે. તેઓએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આ પ્રકારની કાર્યવાહી તણાવ ઓછો કરવા અને શાંતિપૂર્ણ તેમજ રાજકીય રીતે સંકટને નિયંત્રિત કરવાના પ્રયાસોને કમજોર કરે છે. મલેશિયાએ પણ આ હુમલાની નિંદા કરી છે. મલેશિયાએ કહ્યું કે, આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે. આ સિવાય પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ શનિવારે ઈરાન ઈઝરાયલ સૈન્ય દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી છે. તેણે તેને સાર્વભૌમત્વ, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંગન છે. પાક વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, ’આ કાર્યવાહી વિસ્તારને અસ્થિર કરે છે અને શાંતિ માટે જોખમ ઉભુ કરે છે. અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને વૈશ્ર્વિક સમુદાયને શાંતિ સ્થાપવા માટે તુરંત કાર્યવાહી કરવાનો આગ્રહ કરીએ છીએ.’
સાઉદી અરેબિયા પણ ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી છે. તેઓએ તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન જણાવ્યું છે.
સાઉદી અરેબિયાએ તમામ પક્ષોને વધુમાં વધુ સંયમ રાખવાની વિનંતી કરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયના વિસ્તારમાં તણાવ ઓછો કરવા અને સંઘર્ષ ખતમ કરવાની દિશામાં કાર્યવાહી કરવાનું આહ્વાન કર્યું છે.