કડીના બંટી-બબલીનો BZ કંપની જેવો જ કાંડ
એક જ વ્યક્તિ પાસેથી 8 કરોડ પડાવ્યા, શિક્ષણમંત્રી ડિંડોર-MLA હાર્દિક પટેલે કર્યું હતું સન્માન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ ગુજરાતનાં વિવિધ સ્થળો પર ઇણની ઓફિસો ખોલીને 6000 કરોડનું સામ્રાજ્ય ઊભું કરીને અનેક લોકોને છેતરવાના કાંડથી સમગ્ર ગુજરાત તેમજ દેશમાં ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે કડીમાં પણ આવી એક ઘટના સામે આવી હતી. જ્યારે 15 દિવસ પહેલાં એક યુવક દ્વારા ત્રણ ઈસમ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. જોકે આ છેતરપિંડી કેસમાં આશ્ર્ચર્યજનક વાત તો એ છે કે, છેતરપિંડી આચરનારા શિક્ષક દંપતીનું ધારાસભ્ય હાર્દિક પટેલના હાથે સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આ કેસના ફરિયાદીનું નામ પણ હાર્દિક પટેલ છે. ધારાસભ્ય હાર્દિક પટેલની જેમ શિક્ષણમંત્રી ડિંડોર પણ આ દંપતીનું સન્માન કરી ચૂક્યા છે. કડીના સુજાતપુરા રોડ પર આવેલી ન્યૂ શ્યામ ધરતી સિટી સોસાયટીમાં રહેતા હાર્દિક પટેલે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો, જેમાં તેને મૂળ વિજાપુર તાલુકાના જેપુર ગામના વતની અને દેત્રોજ તાલુકાના શોભાસણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં દંપતી અને તેના બનેવીએ 8 કરોડથી વધુની છેતરપિંડી આચર્યાનો ઉલ્લેખ કર્યો છે. એ મામલે શોભાસણ પ્રાથમિક શાળામાં શિક્ષક સુધાબેન કનૈયાલાલ પટેલ અને તેમના પતિ કનૈયાલાલ મણિલાલ પટેલ તેમજ કનૈયાલાલ પટેલના બનેવી કનૈયાલાલ શાકાભાઈ પટેલ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
આ શિક્ષક દંપતી ધરતી સિટીમાં આવેલા શ્યામ વિભાગમાં રહેતું હતું. આ ત્રણેય ઠગ કડીના ધરતી સિટીની બહાર એક ઓફિસ ખોલીને બેઠા હતા. જ્યારે આ બાબતે ફરિયાદ કરનાર હાર્દિક પટેલ પણ એ જ સોસાયટીમાં રહેતા હતા. ફરિયાદી હાર્દિક પટેલને શિક્ષક સાથે 2022માં ઓળખાણ થઈ હતી. ત્યારે કનૈયાલાલે હાર્દિક પટેલને કહ્યું હતું કે ’હું તમાકુનો વેપારધંધો કરું છું અને બધાને રોકાણ કરાવું છું અને સારો એવો નફો અપાવું છું’, જેથી હાર્દિક પટેલે 4 લાખ રૂપિયા કનૈયાલાલ પટેલને આપ્યા હતા. એ બાદ કનૈયાલાલ પટેલે હાર્દિક પટેલને થોડાક સમય બાદ મૂડી સહિત 72 હજારનો નફો કમાઈ આપ્યો હતો. બાદમાં હાર્દિક પટેલને વિશ્ર્વાસમાં લઈ કનૈયાલાલ અને તેના બનેવીએ મિલકતમાં રોકાણ કરી નફા મેળવવાની લાલચ પણ આપી હતી.
- Advertisement -
આ ઠગ દંપતીની લોભામણી લાલચમાં આવી ફરિયાદી હાર્દિક પટેલે તેના અલગ-અલગ મિત્રો તેમજ સગાં-સંબંધીઓ પાસેથી પણ રૂપિયા લાવીને રોકાણ કર્યું હતું અને અલગ અલગ સમયે રૂપિયા 8 કરોડ 58 લાખ જેટલી રકમ કનૈયાલાલ તેમજ તેના બનેવી અને તેની પત્નીને આપી હતી. જ્યારે સમય મુજબ વળતર અને મૂડી ન મળતાં હાર્દિક પટેલે તેઓ પાસે પૈસા પાછા માગતાં આ ત્રણેયે વાયદા ઉપર વાયદા આપતા હતા. જેથી હાર્દિક પટેલ તેના ઘરે પોતાના પૈસા લેવા પહોંચ્યો તો કનૈયાલાલની પત્ની સુધાબેન ધાક-ધમકી આપતી હતી. આ છેતરપિંડીની સમગ્ર ઘટના બહાર આવતાં કડી તેમજ પંથકની અંદર ચકચાર વ્યાપી ગયો હતો. ભૂતકાળમાં આ શિક્ષક દંપતીને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યો હતો, સાથે સાથે ગુજરાત રાજ્યના મંત્રી ડો. કુબેર ડિંડોર દ્વારા પણ આ શિક્ષક દંપતીને સન્માનપત્ર મોકલી આપવામાં આવ્યો હતો. કનૈયાલાલ પટેલ દ્વારા વિરમગામ, માંડલ અને દેત્રોજની પ્રાથમિક શાળાઓમાં 50 લાખથી પણ વધુનું દાન આપી મોભો જમાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી નાખી ફરાર થઈ ગયા છે. જ્યારે મીડિયાની ટીમ તેમના ઘરે પહોંચી ત્યાં પાડોશના લોકોએ જણાવ્યું હતું કે એક મહિના પહેલાં આ લોકો ફરાર થઈ ગયા છે તેમજ તેના ઘર પર પણ લોક જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ બાબતે મહેસાણા કઈઇ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ થઈ ગયો હતો.
લોભામણી લાલચ આપી મિલકત ખરીદવાના નામે રોકાણ કરાવતાં
આવી જ રીતે કનૈયાલાલ અને તેના બનેવીએ અન્ય લોકોને પણ રોકાણ કરવાની લાલચ આપી હતી અને કહ્યું હતું કે તમારા રોકાણ મુજબ દસ્તાવેજમાં ભાગ રહેશે એવું જણાવી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં જમીનની ખરીદી કરી એમાં સારો નફો આપવાની વાત કહી કેટલાક લોકોને ફસાવ્યા હતા, સાથે સાથે વિશાખા ગ્રુપ બિલ્ડિંગ ક્ધસ્ટ્રક્શન અને રોયલ ડ્રીમ ક્ધસ્ટ્રક્શનમાં દુકાનો અને ફ્લેટોમાં રોકાણ કરવાના છીએ એવી લાલચો આપીને આ શિક્ષક અને તેનો બનેવીએ કડી શહેરના સુજાતપુરા રોડ પર તેમજ તેના વતન જેપુર અને અમદાવાદ ખાતે અલગ અલગ જગ્યા પર મિટિંગો કરી લોકોને ભેગા કરી લોભામણી લાલચ આપતા હતા.
50થી વધુ લોકો પાસેથી 100થી 125 કરોડ રૂપિયા લીધા
આ મામલે હાર્દિક પટેલે જાતે જ તપાસ શરૂ કરી હતી, જેથી કનૈયાલાલ મણિલાલ પટેલે ગાંધીનગરના રતનપુર ખાતે અલગ-અલગ જમીનો લીધેલી હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં તેણે વિશાખા ગ્રુપમાં પણ રોકાણ કર્યું છે એવું અને તેમના મૂળ વતનમાં એક મિલ, ખંડેરાપુરા અને સતલાસણા ગામે જમીન તેમજ ધરતી સિટીમાં એક મકાનની પણ ખરીદી કરી છે એવો ઘટસ્ફોટ થયો હતો. તો અન્ય 50થી વધુ લોકો પાસેથી 100થી 125 કરોડ રૂપિયા લીધેલા હોવાનું જાણવા મળતાં હાર્દિક પટેલે 15 દિવસ પૂર્વે કડી પોલીસ મથકે આ ત્રણેય સામે ગુનો દાખલ કરાવ્યો હતો.