નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચે તાલમેલનો અભાવ અકસ્માતનું કારણભૂત
શહેરમાંથી પસાર થતા તાલાલા-સાસણ રોડની ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીથી પ્રજા પરેશાન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા શહેરમાંથી સાસણ તરફ જતો નગરનો મુખ્ય માર્ગ નવનિર્મિત બની રહ્યો છે.આ માર્ગ ઉપર ભુગર્ભ ગટરના તમામ ઢાંકણા લાંબા સમયથી ખુલ્લા છે જે પૈકી બ્રહ્મેશ્વર મંદિરના ખૂણા પાસે ખુલ્લી ગટર પાસેથી પસાર થતા ભાઈ-બહેન પૈકી દશ વર્ષનો બાળક ભૂગર્ભ ગટરમાં પડી જતા સાથે રહેલ બહેને ચીસો પાડતા આજુબાજુ માંથી એકત્ર થયેલ લોકોએ ગટરમાં પડી ગયેલ પારસ રમેશભાઈ ચાવડા ઉ.વ.10 ને હેમખેમ બહાર કાઢતાં લોકોને હાશકારો થયો હતો.
આ બનાવની વિગત એવી છે કે તાલાલા ના શ્રમજીવી મહિલાના પુત્રી પ્રિયંકાબેન ઉ.વ.12 તથા પુત્ર પારસ ઉ.વ.10 ટ્યુશનમાંથી સાંજે સાત વાગ્યે આવી અભ્યાસની ચોપડી લેવા ભાઈ-બહેન જતા હતા ત્યારે સાસણ રોડ ઉપર બ્રહ્મેશ્વર મંદિરના વળાંકમાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં પારસ પડી જતા હેબતાઈ ગયેલ બહેને ચીસો પાડતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા.એકત્ર થયેલ લોકોમાંથી સાગરભાઇ રાઠોડે હિંમત કરી કુંડીમાં ઉતરી 13 થી 14 ફૂટ ઊંડી કુંડી માંથી બાળકને હેમખેમ બહાર કાઢ્યો હતું.આ અકસ્માતમાં બાળકને મોઢામાં સામાન્ય ઇજા થતા તુરંત સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા.સાસણ તરફ જતો નગરનો મુખ્ય માર્ગ સી.સી થી પાકો બને છે.આ માર્ગ ઉપર નગરપાલિકાની ભૂગર્ભ ગટરની 34 કુંડીઓ આવેલ છે.આ પૈકી મોટાભાગની કુંડી ખુલ્લી છે.આ માર્ગ ઉપર 400 દુકાનો,પાંચ મોટી બેંકો,બે પેટ્રોલ પંપ,માર્કેટિંગ યાર્ડ,ખાંડ ફેક્ટરી તથા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી આવેલ છે જેથી આ માર્ગ ઉપરથી આખો દિવસ પ્રજા તથા વાહન ચાલકોનો અવિરત પ્રવાહ પસાર થાય છે તે કોન્ટ્રાક્ટર તથા નગરપાલિકાના સત્તાવાળાઓ જાણે છે છતાં પણ આ માર્ગ ઉપર આવેલ ભુગર્ભ ગટરની મોતના કુવા સમાન ખુલ્લી 34 કુંડીઓ પેક કરવા લાપરવાહ રહેતા આ બનાવ બનતા જવાબદારો સામે તાલાલા શહેરમાં ફિટકાર વરસી રહ્યો છે.ગીર સોમનાથ જિલ્લા કલેકટર આ બનાવની તપાસ કરી નિર્દોષ માનવ જિંદગી સામે જોખમ ઊભું કરનાર જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.
જીવના જોખમે બાળકને બચાવ્યો
તાલાલા શહેરમાં સાસણ રોડ ઉપરની ખુલ્લી ગટરમાં બાળક પડી જતા બાજુની પાઉંભાજી ની દુકાન ઉપર બેઠેલા સાગરભાઇ ભરતભાઈ રાઠોડ ઉ.વ.29 સહિતના લોકો તુરંત દોડી આવ્યા હતા.આ દરમ્યાન સાગરભાઇ પળવારનો પણ વિલંબ કર્યા વગર 13 થી 14 ફૂટ ઊંડી કુંડીમાં ઉતરી ગયા હતા.કુંડીમાંથી તુરંત બાળકને તેડી ઊંચો કરતા એકત્ર થયેલ લોકોએ બાળકને બહાર ખેંચી લીધો હતો.ગટરની કુંડી 13 થી 14 ફૂટ ઊંડી હતી અને તળિયે કાદવ હોવાનું સાગરભાઇએ વર્ણન કર્યું હતું.જીવના જોખમે બાળકને હેમખેમ બચાવનાર સાગરભાઇ પ્લાસ્ટર અને કડિયા કામનો છૂટક વ્યવસાય કરે છે.સૌએ સાગરભાઇ ની હિંમત અને મર્દાનગી ભર્યા સાહસની મુક્ત કંઠે પ્રસંસા કરી સાગરભાઇ ને સલામ કરી રહ્યા છે.
બાળક મામાને ત્યાં રહે છે
બાળકનો પરિવાર જામવાળા રહેતો હતો પિતા રમેશભાઈ રાઠોડનું અવસાન થતા તાલાલામાં શાકભાજી વેચતા પારસના મામા બહેનના પરિવારને તાલાલા લઈ આવ્યા હતા.અહીં પારસની માતા છુટક મજૂરી કામ કરી બંને બાળકોને અભ્યાસ કરાવે છે.બાળક વિરપુર ગીર ગામે સરકારી પ્રાથમિક શિક્ષણ મેળવે છે.
- Advertisement -
ભાજપની જૂથબંધીનો પ્રજા ભોગ બની રહી છે
તાલાલા શહેરમાં ભાજપના બે ગૃપો વચ્ચે ટકરાવ છે જેનાથી હવે કોઈ બેખબર નથી…તાલાલા શહેરમાંથી પસાર થતાં સાસણ રોડની કામગીરી બે માસથી પણ વધુ સમયથી ચાલે છે.હજી કયારે પુરી થશે તે નક્કી નથી…ભાજપના કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા એમ બે ગ્રુપો છે.બંને એકબીજાના હરીફ છે.માર્ગની કામગીરીમાં નગરપાલિકા સહકાર આપતી નથી…!!કોન્ટ્રાક્ટર આયોજન વગર કામગીરી કરે છે…!! તેવા એકબીજા સામે આક્ષેપો કરી બંને ગૃપો એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળી જવાબદારીમાંથી છટકી જવા પ્રેરવી કરે છે…ભાજપની આ જૂથબંધીનો પ્રજા ભોગ બની રહી છે તેવી લોકચર્ચા શહેરમાં છડેચોક થઈ રહી છે…!!



