ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના રેસકોર્સના મેદાનમાં યોજાતા ભાતીગળ લોકમેળાને આ વર્ષે મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. તેનાપરિણામે લોકમેળા આયોજન સમિતિ દ્વારા સ્ટોલના ભાડામાં 10થી 15 ટકાનો વધારો ઝીંકાય તેવી શક્યતા છે. આગામી સોમવારે મળનારી બેઠકમાં આ અંગે ફાઈનલ નિર્ણય લેવામાં આવશે. લોકમેળા આયોજન સમિતિએ સ્ટોલના ભાડામાં વધારો કરવા હિલચાલ શરૂ કરતા આગામી દિવસોમાં વેપારીઓમાંથી આ મુદ્દે વિરોધ ઉઠે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
પ્રાપ્ત વિગત મુજબ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રભવ જોશી અને પ્રાંત અધિકારી ચૌધરી વચ્ચે લોકમેળાના આયોજન સંદર્ભે બેઠક યોજાઇ હતી. જેમાં લોકમેળો યોજવા અંગે વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી અને તેમાં મંડપ સર્વિસ સહિતના અન્ય અનેક ખર્ચાઓમાં વધારો થવાથી લોકમેળાના આયોજનનો ખર્ચ વધવાની ગણતરીએ સ્ટોલના ભાડામાં વધારો કરવાનો મુદ્દો ચર્ચાયો હતો. તેમજ સીસીટીવી કેમેરા અને પોલીસ બંદોબસ્ત સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
- Advertisement -
બેઠકમાં જે સ્ટોલમાં વધુ ઘરાકી રહેતી હોય, જે સ્ટોલની વધુ ડિમાન્ડ રહેતી હોય તેવા અને જે સ્ટોલ આસપાસ પાણી ભરાતા હોવાથી ઓછો ધસારો રહેતો હોય તેવા સ્ટોલને અલગ-અલગ શ્રેણીમાં વેચવામાં આવ્યા હતા. તેમાં 10 ટકા, 12 ટકા અને 15 ટકા જેવા ભાડા વધારા માટે ચર્ચા કરાઇ હતી. જો કે, આ અંગે વધુ એક બેઠક સોમવારે યોજાશે. જેમાં રમકડા, ખાણી-પીણી, યાંત્રિક આઇટમો, આઇસ્ક્રિમ સહિતના અલગ-અલગ સ્ટોલમાં કેટલો ભાડા વધારો કરવો તેનો આખરી નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે.