દસેક જેટલી હોટલને ઇ-મેઈલ મળ્યો, પોલીસ-ડોગ સ્કવૉડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું
પહેલાં સ્કૂલ, મોલ, ફ્લાઈટ અને હવે હોટલોને ધમકી મળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની 5 સ્ટાર હોટલો સહિત 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ આવ્યો છે. રાજકોટની જાણીતી ઇમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ, હોટલ ગ્રાન્ડ રેજંસી સહિતની હોટલને એક સાથે મેઈલ આવ્યો છે. ક્રિક્રેટરો જ્યાં રોકાય છે તે હોટલનો પણ આ ધમકીમાં સમાવેશ છે. તહેવાર ટાણે આ પ્રકારની ધમકીનો ઇ-મેઈલ આવતા પોલીસ દોડતી થઈ છે. હાલમાં રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ છે અને હોટલોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં કોણે ઇ-મેઈલ કર્યો છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી એકબાદ એક ધમકીઓ મળી રહી છે. જેમાં પહેલાં દિલ્હીની સ્કૂલો અને બાદમાં અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ સુરતના મોલને પણ આજ ઓપરેન્ડીથી ઇ-મેઈલ કરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હાલમાં જ દેશને અનેક ફ્લાઈટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતા ઈમર્જન્સી લેડિંગ તથા ડાઈવર્ટ કરવાની ફરજ પડતી હતી. હવે રાજકોટની ખ્યાત નામ હોટલોને ઉડાવી દેવાની ધમકી મળી છે.