6 નગરપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટી જનભાગીદારી બનશે
યોજનાના 109 કામો માટે 10.77 કરોડની ફાળવણીને મંજૂરી
- Advertisement -
અત્યાર સુધીમાં 42,726 કામો માટે રૂ. 3692.42 કરોડની મંજૂરી
ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના હેતુસર ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં 6 નગરો માટે રૂ. 10.77 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ માટે 70 ટકા ગ્રાન્ટ રાજ્ય સરકાર તરફથી, 20 ટકા જે-તે ખાનગી સોસાયટીનો ફાળો તેમજ 10 ટકા સ્થાનિક સંસ્થાનો ફાળો એમ ગ્રાન્ટ ફાળવણીથી કામો કરવામાં આવતા હોય છે. રાજ્યના નગરો-મહાનગરોના આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસ અને જનસુવિધાના કામો માટે ગુજરાત રાજ્યની સ્થાપનાના સુવર્ણ જયંતિ વર્ષ-2010 માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી છે. આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના એક ઘટક તરીકે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના 2012 થી કાર્યરત છે.ખાનગી સોસાયટી જનભાગીદારીની આ યોજના અન્વયે નગરપાલિકા, મહાનગરપાલિકાઓ તેમના વિસ્તારની ખાનગી સોસાયટીમાં રસ્તા, પેવરબ્લોક, પાણીની લાઈન, ગટરલાઈન, સ્ટ્રીટ લાઈન, રેઈન વોટર હાર્વેસિ્ંટગ તથા સોસાયટીઓમાં કોમન પ્લોટમાં પેવરબ્લોક નાખવાના કામો હાથ ધરી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત રાજ્યની કલોલ નગરપાલિકાને આવા 64 કામો માટે રૂ.3.17 કરોડ, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને 20 કામો માટે રૂ. 6.65 કરોડ સહિત પાટણમાં 11 કામો માટે રૂ. 61.95 લાખ, વિરમગામમાં બે કામો માટે રૂ. 21.64 લાખ તેમ જ જસદણમાં રૂ. 11.09 લાખ મળીને કુલ 109 કામો માટે સમગ્રતયા રૂ. 10.77 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતની આ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 42,726 કામો માટે રૂ. 3692.42 કરોડની મંજૂરીઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ 109 કામો 6 નગરપાલિકાઓમાં મંજૂર કરીને રૂ.10.77 કરોડની ફાળવણી કરવા સૈદ્ધાંતિક અનુમોદન આપતાં આ 6 નગરોમાં ખાનગી સોસાયટીઓનાં જનહિત કામો હાથ પર લઈ શકાશે. એટલું જ નહીં, નગરપાલિકા, મહાનગરપાલિકાઓને તેમના વિસ્તારમાં આવેલી ખાનગી સોસાયટીઓમાં આ યોજનાના કામો માટે અંદાજિત ખર્ચના 70 ટકાની સહાય રાજ્ય સરકાર દ્વારા અપાતી તેમાં પ્રત્યેક લાભાર્થી કુટુંબ દીઠ રૂ. 25 હજારની સહાય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં શહેરી વિકાસ વિભાગે આ સહાય મર્યાદા પણ જૂન-2023 થી દૂર કરી છે.