ચૂંટણી પંચે 31 જાન્યુઆરી પહેલાં ખસેડવા તાકીદ કરેલી છે, અઠવાડિયામાં જ બદલીના ઓર્ડર બહાર પડવાની શક્યતા, વતનનો જિલ્લો અને 3 વર્ષ માપદંડ
ખાસ-ખબર સંવાદદાતા
લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં રાજ્યમાં કલેક્ટરો-ડીડીઓ-મ્યુનિસિપલ કમિશનરો- રિજનલ મ્યુનિસિપાલિટી કમિશનરો સહિત એડિશનલ કલેક્ટરો- ડેપ્યુટી કલેક્ટરો- મામલતદારો- ટીડીઓ જેમને પ્રવર્તમાન પોસ્ટિંગ ઉપર ત્રણ વર્ષ થયા છે અથવા થવાના છે અથવા હાલ જેઓ વતનના જિલ્લામાં ફરજ બજાવે છે, તેઓને અન્ય જગ્યા 31મી જાન્યુ. પહેલાં ખસેડવાની કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્ય સરકારને તાકીદ સૂચના કરી છે, તેથી આ પરિપ્રેક્ષ્યમાં અઠવાડિયા-દસ દિવસમાં મોટાપાયે બદલીઓના ઓર્ડર બહાર પડશે. આમાં ઈંઅજ કક્ષાના અધિકારીઓ જેઓ કલેક્ટર-એડિશનલ કલેક્ટર-ડીડીઓ પદે છે તેમની બદલીઓ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા થશે, જ્યારે ડેપ્યુટી કલેક્ટરો-મામલતદારો-ટીડીઓના બદલીના ઓર્ડર પંચાયત વિભાગ મારફત બહાર પડશે.
વડોદરા કલેક્ટર અતુલ ગોર ચૂંટણી પહેલાં માર્ચના અંતે રિટાયર થતાં હોઈ તેમના સ્થાને નવા કલેક્ટર મુકાશે જ્યારે ખેડા, સુરત, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, દાહોદ-નવસારીના વર્તમાન કલેક્ટરોને જૂનમાં યથાવત સ્થાને ત્રણ વર્ષ પૂરાં થતાં હોઈ તેમની પણ બદલી નિવૃત છે. ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઑફિસર સ્તરે ગીર-સોમનાથ, રાજકોટ, મહેસાણા, વલસાડ, બનાસકાંઠા, અમરેલી, જૂનાગઢ, છોટા ઉદેપુર, ગાંધીનગર અને ભાવનગર મળીને 10 ડીડીઓને જૂનમાં ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હોઈ તેમની બદલી નિવૃત છે. 2008ની બેચને પહેલી જાન્યુ.એ ડયૂ થયેલું સચિવ દરજ્જાનું પ્રમોશન આપવાનું હજી બાકી છે, આ બેચમાં ગાંધીનગર કલેક્ટર એચ.કે. કોયા અને દ્વારકા કલેક્ટર એ.એમ.શર્મા સમાવિષ્ટ છે. રાજ્ય સરકાર આ બંને કલેક્ટરોને બઢતી સાથે અન્યત્ર જગ્યાએ બદલી કરી શકે છે અથવા યથાવત સ્થાને પોસ્ટ અપગ્રેડ કરી પ્રમોશન આપી શકે છે.