મોટા શહેર જેવી સુવિધાઓ મળતા ઉપલેટા પંથકના લોકોમાં ખુશીનો માહોલ
સાંસદ, ધારાસભ્ય, કલેકટર અને સ્થાનિક આગેવાનો દ્વારા કરાયું લોકાર્પણ
ખાસ-ખબર સંવાદદાતા
ઉપલેટા શહેરની સરકારી હોસ્પિટલમાં નવજાત શિશુ સારવાર કેન્દ્રનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ કાર્ય પૂર્ણ થઈ જતા નવજાત શિશુ સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ યુનિટમાં નવજાત બાળકોને અનેક પ્રકારની સેવાઓ અને સુવિધાઓ મળી રહે તે માટે 10 બેડનું યુનિટ શરૂ કરવામાં આવ્યું છે જેથી મોટા શહેર જેવી સુવિધા ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મળવાની શરૂ થતાં સૌ કોઈમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
આ અંગે વિસ્તૃત માહિતી આપતા ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.ખ્યાતિ કેશવાલાએ જણાવ્યું છે કે, બાળકના જન્મ બાદ ઘણા બાળકોને શ્વાસની તકલીફ, ફેફસાની તકલીફ કે પછી કાચની પેટીમાં રાખવાની જરૂર પડે છે ત્યારે તેમને અન્ય શહેર કે મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરવું પડે છે. આ ઉપરાંત ઘણા બાળકોને કમરાની પણ તકલીફ હોય છે ત્યારે તેઓને સારવાર લેવા માટે મોટા શહેરો કે મોટા હોસ્પિટલ ખાતે જવું પડે છે જેથી આ ઉપલેટા સિવિલ હોસ્પિટલની અંદર સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં અંદાજે 48 લાખ રૂપિયા જેવો ખર્ચ થયો છે. જેથી હવે તાલુકા વિસ્તારની અંદર જિલ્લા વિસ્તારમાં મળતી સેવાઓને સુવિધાઓ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મળશે અને બાળકોને વધુને વધુ સારવાર અને સુવિધાઓ કેમ મળે તે માટેના હજુ પણ આવતા દિવસોની અંદર પ્રયત્ન શરૂ રહેશે. અહીંયા વધુને વધુ સારી સુવિધા ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે મળે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવું અધિક્ષક ડો.ખ્યાતિ કેશવાલાએ જણાવ્યું છે.