બનાવટી દવાઓના રીપોર્ટ બાદ ફાર્મસી ક્ષેત્ર સંબંધી વધુ એક ચોંકાવનારો અહેવાલ
સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનનો રીપોર્ટ : ટોચની ફાર્મા કંપનીઓ હિન્દુસ્તાન એન્ટીબાયોટીક આલ્કેમ, ટોરેન્ટોની 50 દવાઓના સેમ્પલ નિષ્ફળ ગયા
- Advertisement -
નબળી ગુણવત્તાની દવાઓના કારણે આરોગ્ય ખર્ચ વધે છે, બીમારી લંબાઇ છે અને મૃત્યુ પણ નિપજી શકે છે. દેશમાં એક તરફ બનાવટી દવાઓની સમસ્યા અંગે હાલમાં જ એક ચોંકાવનારો રીપોર્ટ આવ્યો હતો અને એન્ટીબાયોટીક જેવી મહત્વપૂર્ણ દવા પણ હવે લોકોને આરોગ્યમાં પૂરતી અસર કરતી નથી. તેવા અહેવાલ વચ્ચે હવે દેશમાં સોફટ સ્ટાન્ડર્ડ એટલે કે નિશ્ચિત કરતા નીચી ગુણવત્તાની દવાઓ અંગે એક ચોંકાવનારો રીપોર્ટ આવ્યો છે અને તેમાં દેશની નામી કંપનીઓ પણ દવાની ગુણવત્તા જાળવવામાં નિષ્ફળ રહી હોવાનો અહેવાલ જાહેર થયો છે.
તેમાં ભય દર્શાવ્યો છે કે, આ નબળી ગુણવતાની દવાઓને કારણે લોકોના આરોગ્ય ઉપર પણ મોટી અસર થઇ રહી છે અને તેના કારણે તેમના પર આર્થિક રીતે પણ બોજો વધી રહ્યો છે. ગત સપ્તાહે જ સરકારી હોસ્પિટલોમાં બનાવટી દવાઓ પૂરી પાડવા અંગે ચોંકાવનારો રીપોર્ટ આવ્યો હતો.
ટેલ્કમ પાવડર સહિતના તત્વોમાંથી બનાવેલી દવા હોસ્પિટલોમાં અપાતી હતી જેમાં મેડીકલ એકટીવ ફાર્માના કોઇપણ ઘટકો મોજુદ જણાયા ન હતા અને હવે હાલમાં જ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના એક રીપોર્ટમાં જણાવ્યું છે કે, દેશમાં નામી બ્રાન્ડ ઉપરાંત ટોચની ફાર્મા કંપનીઓની દવાઓ પણ નબળી ગુણવતાની હોવાનું જાહેર થયું છે.
- Advertisement -
જેમાં એન્ટીબાયોટીક એન્ટાસીડ અને અન્ય દવાઓનો સમાવેશ થાય છે અને આ દવાઓના ઉત્પાદનમાં હિન્દુસ્તાન એન્ટીબાયોટીક આલ્કેમ, ટોરેન્ટો અને અન્ય કંપનીઓની દવા પણ ગુણવત્તાના ટેસ્ટમાં નિષ્ફળ નીવડી છે. આ કંટ્રોલ ઓથોરીટી દ્વારા દેશભરમાં વેંચાતી દવાઓનું દર મહિને રેન્ડમ સેમ્પલીંગ કરાઇ છે અને તેમાં હાલમાં જ મોટા ભાગના સેમ્પલમાં દવાઓની ગુણવતા સામે પ્રશ્ન સર્જાયા હતા.
ફકત બનાવટી દવાઓ જ નહીં પણ નબળી ગુણવતાની દવાઓ ભારતમાં સૌથી મોટી ચિંતા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રીપોર્ટ મુજબ ભારતમાં વેચાતા દર 10માંથી એક મેડીકલ પ્રોડકટ જેમાં દવાઓ, વેકસીન અને મેડીકલ સાધનો એ નીચી ગુણવત્તાના સાબિત થયા છે અને તેના કારણે ખાસ કરીને ગરીબ અને મધ્યમ આવક ધરાવતા ભારત સહિતના દેશોના નાગરિકોને આરોગ્ય અને આર્થિક બંને રીતે નુકસાન સહન કરવું પડે છે.
જોકે વિકસીત દેશો અને ઉંચા વગ ધરાવતા દેશોમાં આ સમસ્યા છે પરંતુ તેનું પ્રમાણ નીચુ છે. નબળી ગુણવતાની કે બનાવટી દવાના કારણે આરોગ્ય પાછળ થતો ખર્ચ વધે છે અને સારવારનો સમય પણ લંબાઇ છે અને તેનાથી મૃત્યુ પણ થઇ શકે છે અને તેથી આરોગ્ય ખર્ચ ઉપરાંત તે વ્યકિત કે પરિવારની રોજિંદી આવક અને કમાણી પર અસર થાય છે જે તેને ગરીબીમાં ધકેલે છે. હાલમાં એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં એક વિશાળ વર્ગની ચિંતા આરોગ્ય એ સૌથી મોટી છે. જયાં કુટુંબના એક સભ્યની ગંભીર બીમારી સમગ્ર પરિવારને ગરીબીમાં ધકેલી શકે છે.
ખાસ કરીને ભારત જેવા મોટા દેશ કે જેની વસ્તી દુનિયામાં સૌથી વધુ છે અને દવાઓની ગુણવતા અંગેના ચકાસણી પણ અત્યંત કંગાળ છે ત્યાં આ પ્રકારની દવાઓનું વેચાણ સૌથી વધુ ગયું છે. વિશ્વના ફાર્મસી તરીકે ભારતને જોવામાં આવે છે પરંતુ હાલમાં ભારતના કફ શીરપ સહિતના ઉત્પાદનો વિદેશમાં નિષ્ફળ ગયા હતા. વાસ્તવમાં દવાના ઉત્પાદનમાં કવોલીટી કંટ્રોલમાં ભાગ્યે જ અસરકારક નિયંત્રણ તંત્ર છે.