વધતી વસતી અને વધતા શહેરીકરણથી ભવિષ્યમાં પાણીની સમસ્યા મોઢુ ફાડી શકે
કુલ 24.2 લાખ જળસ્ત્રોત: 40,000માં દબાણ-ગેરકાયદે કબ્જો
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય ચોમાસાનો આ વખતે અલ-નીનો પ્રભાવીત કરે તેવી આશંકા અને સંભવીત પાણી-કૃષિ-સિંચાઈના પ્રશ્નો સામે કેન્દ્ર સક્કારે આગોતરી તૈયારી શરૂ કરી જ છે જયારે એવો ચોંકાવનારો રીપોર્ટ બહાર આવ્યો છે કે ભારતમાં કુલ 24 લાખ જળસ્ત્રોત છે પરંતુ તેમાં 6 માંથી 1 જળસ્ત્રોતના કોઈ ઉપયોગ જ થતાં નથી. કેન્દ્ર સરકારે દીવ-દમણ તથા લક્ષદ્વિપ સિવાય દેશના તમામ રાજયો-કેન્દ્ર શાસીત પ્રદેશોનાં જળસ્ત્રોતોનો સર્વે કરાયો હતો. પ્રથમ વખત આવો સર્વે કરાવ્યો હતો. કેન્દ્રીય જળશકિત મંત્રાલયના કહેવા પ્રમાણે વધતી વસતી અને વધતા શહેરીકરણથી સંભવીત જળ સમસ્યાનું આકલન કરવા આ કવાયત કરવામાં આવી છે.દુનિયાની 18 ટકા વસતી માત્ર ભારતમાં છે. પરંતુ દુનિયાનાં કુલ જળસ્ત્રોતોમાં ભારતનો હિસ્સો માત્ર ચાર ટકાનો છે.
ઔદ્યોગીક વપરાશ કે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા કુદરતી કે માનવ નિર્મિત જળસ્ત્રોતોને આ ગણતરીમાં લેવામાં આવ્યા હતા. ધાર્મિક માન્યતા ધરાવતા તથા ભૂગર્ભ જળ આધારીત સ્ત્રોતોની પણ ગણતરી કરવામાં આવી હતી. જોકે નદી ઉપરાંત ખાણખનીજ પ્રવૃતિના સ્ત્રોતોને સામેલ કરાયા ન હતા. સમગ્ર દેશમાં સૌથી વધુ 30 ટકા જળસ્ત્રોત પશ્ર્ચિમ બંગાળમાં હોવાનું માલુમ પડયુ છે. સૌથી વધુ તળાવ-સરોવર આ રાજયમાં છે. જયારે માત્ર તળાવની ગણતરીમાં તામીલનાડૂમાં તેની સૌથી વધુ સંખ્યા છે. સૌથી વધુ પાણીના ટાંકા આંધ્રપ્રદેશમાં છે.જયારે જળ સંચય આધારીત સૌથી વધુ સ્ત્રોત મહારાષ્ટ્રમાં હોવાનું માલુમ પડયુ છે. રીપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે 24 લાખમાંથી 20.3 લાખ અર્થાત 83.7 ટકા જળસ્ત્રોતનો નિયમીત ઉપયોગ થાય છે.પરંતુ ચાર લાખ અર્થાત 16.3 ટકાનો કોઈ ઉપયોગ જ થતો નથી. પાણીનું સ્તર ઘણુ નીચે ઉતરવા, પ્રદુષણ, દબાણ જેવા કારણો જવાબદાર છે. રીપોર્ટમાં એવુ પણ માલુમ પડયુ છે કે 38496 જળસ્ત્રોત પર જુદા જુદા તત્વોએ ગેરકાયદે દબાણ કરીને કબ્જો જમાવી લીધો છે. ખેતરો અથવા બાંધકામ ખડકાઈ ગયા છે. તેમાં 95.4 ટકા ગ્રામ્ય સ્તરે જ છે.