સરકારની ઝુંબેશ તો ‘બુઠ્ઠી તલવાર’ સાબિત થઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં મધ્યમવર્ગના પરિવારો વ્યાજખોરને આતંક સામે નિ:સહાય બની આખરે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોવાના બનાવો એરેરાટી ઉપજાવે છે છતાં આ વિષચક્રને તોડવા માટે સરકાર પાસે એવું કોઈ મજબૂત હથિયાર નહીં હોવાથી થી વ્યાજખોરોએ ફેલાવેલું વિષચક્ર તોડી શકતું નથી. પોલીસની ડ્રાઇવના આંકડા જોતાં છેલ્લા બે વર્ષમાં 1.60 લાખ લોકો વ્યાજખોરોના આતંકનો ભોગ બન્યાં છે.
તાજેતરમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયેલા લોકો માટે રાજ્યભરમાં સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આવી જ ડ્રાઇવ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવી ત્યારે પોલીસે યોજેલા 2389 લોક દરબારમાં 1.30 લાખ લોકોએ સીધી ફરિયાદ કરી હતી. પોલીસે એવો દાવો કર્યો હતો કે એ ડ્રાઈવમાં 847 એફઆઈઆર કરી 1481 લોકો સામે ગુના નોંધવામાં આવ્યા હતા.
ગેરકાયદે ઊંચા વ્યાજ દરે રૂપિયાનું ધિરાણ કરી મધ્યમ વર્ગના નાગરિકો પાસેથી સિક્યુરિટી પેટે લખાવી લીધેલી મિલકતો પચાવી પાડવાની તેમજ ધાક ધમકી આપી લોકો પાસેથી 15 થી 20 ગણા વ્યાજની ઊઘરાણી કરનારા માફિયા તત્વો રાજ્યમાં બેફામ બન્યાં છે. પોલીસ તો 15 દિવસ કે મહિનાની ડ્રાઈવ કરીને સંતોષ મેળવી રહી છે પરંતુ આ ડ્રાઈવ પૂર્ણ થયા પછી જે લોકોને જેલને હવાલે કર્યા હતા. તેમણે જામીન પર છૂટીને ફરીથી વ્યાજનો ધંધો શરૂ કરી દીધો હોવાની ઘટનાઓ સામે આવી હતી.
- Advertisement -
ગુજરાતમાં વ્યાજખોરોનું વિષચક્ર ફેલાયું છે જેમાં મધ્યમવર્ગના પરિવારો તબાહ થઈ રહ્યાં છે અને સંખ્યાબંધ લોકોએ જીવનથી હારી જવું પડયું છે. સામૂહિક આત્મહત્યાની અતિ સંવેદનશીલ ઘટનાઓથી સામાન્ય વ્યક્તિ પણ વ્યથિત થઈ જાય છે. ત્યારે જરૂરિયાતમંદો પાસેથી અનધિકૃત રૂપિયા પડાવવા પઠાણી ઉઘરાણી કરતાં તત્વો પોલીસને ભાગીદાર બનાવતા હોય છે. ઘણી જગ્યાએ પોલીસને સોપારી આપીને લોકોને ઉઠાવી લેવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટનાઓ બની છે.
ગુજરાત પોલીસે 21મી જૂનથી શરૂ કરેલી ડ્રાઈવમાં વ્યાજના વિષચક્રને ભોગ બનેલા 32,000 લોકોએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે 598 લોક દરબારમાં 226 લોકો સામે કાર્યવાહી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ ગયા વર્ષે સ્પેશ્યલ ડ્રાઈવમાં ફરિયાદ કરનારા 1.30 લાખ લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું હોત તો આજે ફરીથી સરકારને ડ્રાઈવ કરવાની જરૂરિયાત ઉભી થઈ ન હોત. બીજા વર્ષે 18 દિવસમાં જ 32 હજાર લોકો કેવી રીતે આવી ગયા તે સવાલનો પોલીસ અધિકારીઓ પાસે જવાબ નથી. એટલે કે સરકારે કરેલી કાર્યવાહી એક નાટકથી વિશેષ કંઈ નથી. ખુદ પોલીસના ચોપડે જ નોંધાયું છે કે ગયા વર્ષે ડ્રાઈવ પૂર્ણ થયા પછી ધીમે ધીમે વ્યાજખોરોને આતંક ફરી શરૂ થયો હતો.
જે લોકોની સામે પગલાં લેવાયા હતા તેઓ બહાર નિકળીને ફરીથી તેમણે મૂળ વ્યવસાયને જીવંત કર્યો હતો. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ કારણોસર આત્મહત્યા કરવાની 25478 ઘટનાઓ સામે આવી છે, જે પૈકી બે ટકા કેસોમાં વ્યાજખોરોનો આતંક કારણભૂત છે.