અન્ય યાર્ડ કરતા ભાવ વધુ મળતા, તુરંત હરાજી સાથે નાણાં મળતા આવક વધી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
- Advertisement -
જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં ઘઉં, ચણા અને ધાણાની 1.56 લાખ મણની આવક થવા પામી છે. અન્ય યાર્ડ કરતા ભાવ વધુ મળતા હોય તેમજ તુરત હરરાજી સાથે નાણાં મળી જતા હોય આવક વધી રહી છે. આ અંગે દોલતપરા સ્થિત માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે, સોમવારે ઉઘડતી બજારે યાર્ડમાં જણસીની બમ્પર આવક નોંધાઇ હતી. આમાં ઘઉંની આવક 88,642.5 મણ, ચણાની આવક 31,632.50 મણ અને ધાણાની આવક 36,250 મણની થઇ હતી. આમ, એક જ દિવસમાં માત્ર ઘઉં, ચણા અને ધાણાની જણસીની જ 1,56,525 મણની વિપુલ આવક નોંધાઇ હતી. દરમિયાન ખાસ કરીને આવક વધવાના અનેક કારણો છે. આમાં એકતો નજીકના અન્ય યાર્ડ કરતા જૂનાગઢ યાર્ડમાં જણસીના ભાવ ઉંચા અને સારા મળે છે, હાલમાં ઘઉં કાઢવાના હાર્વેસ્ટર ફરી રહ્યા છે જેથી જલ્દી ઘઉં નિકળી જાય છે,યાર્ડમાં જણસી ઉતારવાની મજૂરી(ઉતરાઇ) લેવાતી નથી(ખેડૂતે એક રૂપિયો પણ મજૂરીનો દેવો પડતો નથી), રોજે રોજ 2,500થી વધુ કટ્ટાનું વેંચાણ થઇ જાય છે, 24 કલાક માટે આવક ચાલુ રહે છે તેમજ લુઝ અને કટ્ટા બન્નેની આવક થવા સાથે હરરાજી પણ તુરત થઇ જાય છે જેથી નાણાં મળી જતા હોય તેના કારણે જૂનાગઢના યાર્ડમાં અન્ય યાર્ડ કરતા અનેક જણસીની બમ્પર આવક થઇ રહી છે.



