હાર્ટ એટેકથી બાળકોના જીવ બચાવવા સરકાર સજ્જ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સહિત દેશભરમાં ચારેક મહિના કરતા વધુ સમયથી હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સા વધી રહ્યા છે. આ કિસ્સાઓમાં હવે નાના બાળકો પણ બાકાત નથી. થોડા દિવસ પહેલા જ સુરતમાં ચાલુ શાળા દરમિયાન વિદ્યાર્થીને હાર્ટ એટેક આવવાના કિસ્સામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ત્યારે સરકાર માટે યક્ષ પ્રશ્ર્ન બની રહેલી આ સમસ્યા અજગરી ભરડો બને એ પહેલા કેવી રીતે અટકાવી શકાય અથવા તો આવા કિસ્સાઓમાં કેવા પગલાં ઝડપથી ભરી શકાય તેને લઈ મનોમંથન શરૂ થયું છે. તેમજ દર્દીને તાબડતોબ પ્રાથમિક સારવાર મળી શકે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બાળકોના સ્વાસ્થ્ય સામે ઝળુંબી રહેલી આ સમસ્યા વચ્ચે ગુજરાત સરકાર વધુ એક પગલું ભરવા જઈ રહી છે. એક બાદ એક જીવ લેવા લાગેલા હાર્ટ એટેક સામે તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકાર દિવાળી વેકેશન બાદ રાજ્યમાં આવેલી તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા તમામ કોલેજમાં ભણાવતા શિક્ષકો અને પ્રાધ્યાપકો માટે સરકાર મહત્વપૂર્ણ પગલું લેવા જઈ રહી છે. આ પગલું ભરવા પાછળ રાજ્ય સરકારનો આશય છે કે જ્યારે પણ શાળા કે કોલેજમાં કોઈ વિદ્યાર્થીને હાર્ટ એટેક સબંધી કોઈ ઇમર્જન્સીની સ્થિતિ આવી જાય તો પ્રાથમિક તબક્કે જે તે દર્દીને સરળતાથી સારવાર મળી રહે અને વિદ્યાર્થીનો જીવ બચાવી શકાય.
- Advertisement -
2,110 બાળકોને હૃદયની બીમારી
રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સુધારણા કાર્યક્રમ અંતર્ગત દરેક સરકારી શાળાઓમાં બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે. વર્ષ 2023માં જાન્યુઆરી માસમાં કરવામાં આવેલા સ્ક્રિનિંગમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. વર્ષ 2023માં સામે આવેલા આંકડા મુજબ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 88 લાખથી વધુ બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગ દરમિયાન 3195 બાળકોમાં કિડની, હ્રદય રોગ, કેન્સર સહિતની બીમારીની સારવાર કરવામાં આવી હતી. જ્યારે રાજ્ય સરકારના આંકડા મુજબ સરકારી શાળામાં અભ્યાસ કરતા 2110 બાળકોને હ્રદય રોગ સંબંધિત, 724 બાળકોને કિડની સંબંધિત અને 337 બાળકોને કેન્સરની સારવાર આપવામાં આવી હતી.
ડિસેમ્બર મહિનાના બે રવિવાર દરમિયાન ટ્રેનિંગ: કુબેર ડિંડોર
આ મામલે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર મીડિયા સાથેની ખાસ વાતચીતમાં કહે છે કે, વિદ્યાર્થીઓમાં પણ હવે હાર્ટ એટેક આવવાની ઘટના જે રીતે સામે આવી રહી છે ત્યારે સરકારી શાળાના તમામ શિક્ષકોને આગામી ડિસેમ્બર માસમાં જ સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવશે. આ ટ્રેનિંગ રવિવારના દિવસે ખાસ યોજવામાં આવશે, રાજ્યમાં આવેલી 20 હજાર કરતાં વધારે પ્રાથમિક શાળાના શિક્ષકોને આરોગ્ય વિભાગની ટીમ સાથે રાખીને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવશે. બે તબક્કામાં આ ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ માટે ડિસેમ્બર મહિનાની 3 અને 17 તારીખની પ્રાથમિક તબક્કે પસંદગી કરવામાં આવી છે. આ બંને તબક્કામાં કુલ 1.50 લાખથી વધુ શિક્ષકો ને CPRની ટ્રેનિંગ આપવામાં આવશે.
ટૂંક સમયમાં સ્કૂલ-કોલેજને સૂચના અપાશે
આ ટ્રેનિંગમાં ઉચ્ચતર માધ્યમિક શાળા અને સરકારી કોલેજમાં ભણાવે છે એ તમામ પ્રાધ્યાપકોને પણ આ તાલીમમાં સમાવી લેવામાં આવશે તેમ જણાવતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મીડિયાને જણાવે છે કે, પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને સીપીઆર તાલીમ આપવાની સાથે સાથે રાજ્યમાં આવેલી 471 કોલેજના પ્રાધ્યાપકો પણ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાની આ તાલીમનો હિસ્સો બનશે. હાલના તબક્કે પ્રાથમિક રીતે 3 અને 17 ડિસેમ્બર એમ બે દિવસ નક્કી કરવામાં આવ્યા છે. જે અંગેની આગામી સમયમાં તમામ શાળા તથા કોલેજને સુચના આપવામાં આવશે. જો કે આ ટ્રેનિંગ તમામ માટે ફરજિયાત નહીં રહે પરંતુ આ તાલીમનો હિસ્સો બને તેવી ભારપૂર્વક અપીલ કરવામાં આવશે.