અસહ્ય ઉકળાટ બાદ વરસાદ આવતા લોકોમાં ખુશી, હજુ બે દિવસ વરસાદની આગાહી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. સવારથી સૂર્યનારાયણ વાદળો વચ્ચે છુપાયા હોય તેવા દૃશ્ર્યો જોવા મળ્યા હતા. 11:45 કલાકે શહેરનાં રેસકોર્સ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, એરપોર્ટ રોડ તેમજ ફૂલછાબ ચોક સહિતનાં વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. જેને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા અને વાતાવરણમાં ઠંડક ફરી વળી હતી. મહાનગરપાલિકાના આંકડા મુજબ સવારે 8થી લઈ 1 વાગ્યા સુધીમાં શહેરના ત્રણેય ઝોનમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે એસ્ટ્રોન ચોક પાસે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. રાજસ્થાન ઉપર સર્જાયેલા સાયકલોનિક સકર્યુલેશનની અસર હેઠળ રાજયમાં ફરી ચોમાસુ સક્રિય બન્યુ છે. ત્યારે રાજય હવામાન વિભાગનાં ડાયરેકટર ડો.મનોરમા મોહંતી દ્વારા આજે અને આવતીકાલે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ અને જુનાગઢ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર અને જિલ્લામાં પણ લાંબા સમયથી વરસાદ વરસ્યો નથી. જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું હોય વરસાદ નહીં પડતા ઉભા પાકને નુકસાન થવાની દહેશત હાલ ખેડૂતોમાં જોવા મળી રહી હતી. ત્યારે વરસાદી ઝાપટું વરસતા ફરી જગતના તાતને આશા જાગી છે. અને મેઘરાજા મહેર વરસાવી મુરજાતી મોલાતને નવજીવન આપે તે પ્રાર્થના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.
- Advertisement -
ગણેશ ઉત્સવ અને નવરાત્રીના આયોજકો પર ચિંતાના વાદળો ઘેરાયા
ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજા છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ સારા વરસાદની આગાહી કરાઈ છે. જોકે કાલથી ગણેશ ઉત્સવ અને આવતા મહિનાથી નવરાત્રીની શરૂઆત થઈ રહી હોય આયોજકોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. દર વર્ષે ગુજરાતમાં ગણેશ ઉત્સવ અને નવરાત્રીના આયોજન પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે એ સમયે આવનારા ગણેશ ઉત્સવ અને નવરાત્રી મહોત્સવ પર મેઘરાજા અડચણરૂપ બની શકે તેમ છે.