હળવદના કડીયાણા માથક રોડ પર મામાદેવ મંદિરના નામે ટિકિટ બહાર પાડીને લાખો રૂપિયાનો ફ્રોડ
એક કરોડથી વધુની છેતરપિંડી બાદ આયોજક રાતોરાત થયા ફરાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.21
હળવદ તાલુકાના માથક ગામ પાસે આવેલા મામાદેવ મંદિરના વિકાસના નામે ઇનામી ડ્રોની ટિકિટો વેચી આયોજકો ગુમ થઈ ગયા છે. ડ્રો થયાના પાંચ દિવસ બાદ પણ 606 વિજેતાઓને કોઈ ઇનામ મળ્યા નથી. આ મામલે એક કરોડથી વધુની છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.માથક અને કડીયાણા ગામ વચ્ચે ખરબાની જગ્યા પર આવેલા મામાદેવ મંદિરના વિકાસ માટે આ ઇનામી ડ્રોનું આયોજન કરાયું હતું. ગત તા. 15 જાન્યુઆરી, 2026ના રોજ મામાદેવ મંદિર ખાતે આ ડ્રો કરવામાં આવ્યો હતો. આ ડ્રોની ટિકિટો વિશુભાઈ રાજપુત (મામાદેવના ભુવા) સહિતનાઓએ બહાર પાડી હતી. ડુંગરપર ગામના રમેશભાઈ સોમાભાઇને 11 લાખનું ઇનામ લાગ્યું હોવા છતાં તેમને કંઈ મળ્યું નથી. આ જ રીતે અન્ય 605 વિજેતાઓને પણ તેમના ઇનામો કે રોકડ રકમ આપવામાં આવી નથી. સાપકડા ગામના રતભાઈ ભરવાડના ભત્રીજાને 2.51 લાખનું ઇનામ લાગ્યું હતું. તેમણે જણાવ્યું કે ડ્રોમાં 40,000 સુધીની સિરીઝના નંબર જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે આયોજકોએ અંદાજે 40,000 ટિકિટો વેચી હતી. એક ટિકિટનો દર 299 રૂપિયા હતો, જેથી આયોજકોએ લોકો પાસેથી અંદાજે 1.20 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ટિકિટ વેચાણમાંથી વધેલી રકમનો ઉપયોગ મંદિરના વિકાસ અને સેવાકીય કાર્યોમાં કરવામાં આવશે. જોકે, ડ્રો થયાના બીજા દિવસથી જ આયોજકોના મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવે છે અને તેઓ ગુમ થઈ ગયા છે. આ ઘટનાને કારણે લોકોમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની લાગણી પ્રવર્તી રહી છે, અને આ મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
હાલમાં છેતરપિંડીનો ભોગ બનેલ હળવદના એક રહેવાસી સહિતના લોકોના કહેવા મુજબ ધર્મ અને સેવાકીય કામ કરવાના બહાને ઇનામી ડ્રો ની ટિકિટો બહાર પાડવામાં આવી હતી. જેથી ધર્મનું કામ કરે છે તેવું સમજીને લોકોએ એક નહીં પરંતુ 20 થી 25 જેટલી ટિકિટો આયોજકો પાસેથી ખરીદી કરી હતી અને ઇનામી ડ્રો થયા બાદ પીડીએફમાં વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે અને પછી જુદી જુદી વસ્તુઓના વિજેતાઓને આપવામાં આવશે તેવું કહેવામા આવ્યું હતું પરંતુ ઇનામી ડ્રો પૂરો થયા બાદ આયોજક વિશુભાઈ રાજપુતનો મોબાઇલ નંબર સ્વીચ ઓફ આવે છે. અને હાલમાં તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગતો નથી જેથી ટિકિટ ખરીદનારાઓ તેમજ જે લોકોને ઈનામી ડ્રોમાં ઇનામ લાગેલ છે તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરવામાં આવેલ છે. જેથી આ મામલો ભવિષ્યમાં પોલીસ મથક સુધી પહોંચે તો નવાઈ નથી.
મોરબી જિલ્લામાં મામાધણી ગ્રૂપ દ્વારા કરવામાં આવેલ ઇનામી ડ્રો હાલમાં ચર્ચાનો વિષય બનેલ છે કેમ કે, માત્ર ગુજરાત જ નહીં ગુજરાત બહાર પણ આ ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું છે. અને જે રીતે ડ્રો સમયે 40,000 જેટલા નંબર સુધીની ટિકિટ બોક્સમાં નાખવામાં આવી હતી તે જોતાં આયોજકો દ્વારા 1.20 કરોડ રૂપિયા ભેગા કરીને વિજેતા બનેલા લોકો કશું જ આપવામાં આવ્યું નથી અને મંદિરનો પણ વિકાસ કરવામાં આવેલ નથી. જેથી ભોગ બનેલ લોકો દ્વારા હવે પોલીસ ફરિયાદ કરવા માટેની ગતિવિધિ શરૂ કરવામાં આવી છે. જો કે, હજુ સુધી આ બાબતે પોલીસમાં કોઈ અરજી કે ફરિયાદ થઇ નથી.



