સુરેન્દ્રનગરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગંદકી પર તવાઈ
બહુમાળી ભવનની કચેરીમાં થૂંકવાના બનાવો વધતાં તંત્ર ત્રસ્ત: 11 કચેરીઓમાં સૂચના મૂકવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
સુરેન્દ્રનગર જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં પાન-માવાની પિચકારીઓ અને ગંદકીની સમસ્યાથી કચેરીનું તંત્ર ત્રસ્ત થઈ ગયું છે. આથી, દંડાત્મક કાર્યવાહી કરવા માટે હવે આ સ્થળે જ્યાં ત્યાં થૂંકનાર કે પિચકારી કરનારને ₹500નો દંડ ફટકારવામાં આવશે તેવી સૂચના મૂકવામાં આવી છે. તંત્રના આ કડક પગલાથી આશ્ચર્ય પણ ફેલાયું છે.
જિલ્લાની સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર, પાટડી, ચુડા, લીંબડી, મૂળી, સાયલા, ધ્રાંગધ્રા, ચોટીલા અને થાન સહિતની કુલ 11 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજી નોંધણી માટે દિવસ દરમિયાન લોકોની મોટી ભીડ રહે છે. સુરેન્દ્રનગર જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરી બહુમાળી ભવનમાં કાર્યરત છે, જ્યાં દર મહિને 500થી વધુ દસ્તાવેજો નોંધાય છે.
બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ અને બિલ્ડિંગોમાં પાન-માવાની પિચકારીઓ અને ગંદકીની ફરિયાદો વધતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી અરજદારો તેમજ કર્મચારીઓ દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીમાં પણ આવી પ્રવૃત્તિઓ થતી હોવાની રાવ ઉઠી હતી. આ બદીને દૂર કરવા માટે તંત્રએ અંતે કડક વલણ અપનાવીને ₹500ના દંડનો હુકમ કર્યો છે.