ખાસ-ખબર સંવાદદાતા
ચીનની સ્માર્ટફોેન નિર્માતા કંપની વીવોના ભારતીય એકમે કરવેરાની ચુકવણીથી બચવા માટે ગેરકાયદે 62,476 કરોડ રૃપિયા ભારતમાંથી ચીન મોકલ્યા હતાં તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.
આ રકમ વીવોના કુલ ટર્નઓવર 1,25,185 કરોડ રૃપિયાના 50 ટકા થાય છે. ઇડીએ જણાવ્યું છે કે વીવો મોબાઇલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને તેની સાથે સંબધિત 23 કંપનીઓ સામે બુધવારે કરવામાં આવેલી તપાસ પછી તેમના ખાતાઓમાં જમા 465 કરોડ રૃપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 73 લાખ રૃપિયા રોકડા અને બે કીલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે.ઇડીએ જણાવ્યું છે કે વીવોના પૂર્વ ડાયરેક્ટર બિન લાઉએ ભારતમાં અનેક કંપનીઓની રચના કર્યા પછી વર્ષ 2018માં દેશ છોડી દીધો હતો. ઇડી હવે આ કંપનીઓની તપાસ કરી રહી છે. વીવોના અન્ય બે પદાધિકારીઓ ઝેન્ગશેન ઓઉ અને ઝાંગ જીએ 2021માં ભારત છોડી દીધું હતું.
ઇડીએ વધુમાં જણાવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે 23 કંપનીઓએ વીવો ઇન્ડિયાને મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. કંપનીના કુલ 1,25,185 કરોડના વેચાણના 50 ટકા રકમ 62,476 કરોડ રૃપિયા વિદેશમાં ખાસ કરીને ચીન મોકલી દીધા હતાં. ભારતમાં વેચાણ ઓછું બતાવીને ટેક્સ ઓછો ભરવો પડે તે માટે આ રકમ ચીન મોકલવામાં આવી હતી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર છેલ્લા કેટલાક સમયથી ભારતમાં કાર્યરત ચીનની કંપનીઓની તપાસ કરી રહી છે.