ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા દ્વારા છેલ્લાં ઘણાં સમયથી લોકોને વિવિધ કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે તે અંતર્ગત વિવિધ વોર્ડમાં સેવાસેતુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અનુસંધાન આવતીકાલે વોર્ડ નં. 7માં રાજકોટ મનપાના સ્ટે. કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, મ્યુ. કમિશનર અમિત અરોરા દ્વારા એક યાદીમાં જણાવ્યું હતું કે પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘરઆંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્ર્નો તેમજ સરકારની યોજનાઓ વગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનું આયોજન કરેલ છે જેના અનુસંધાને આવતીકાલના રોજ સવારે 9-00 કલાકે શ્રી જે. જે. પાઠક પ્રાથમિક શાળા (શાળા નં. 19), સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ પાસે રાજકોટ ખાતે વોર્ડ નં. 7મા આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. લોકોને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી જુદી કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવા સેતુમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્ર્નોનો સ્થળ ઉપર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્ર્નોનો નિકાલ કરશે. આ તકે લોકો વધુને વધુ સેવાઓનો લાભ લે તેવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અનુરોધ કર્યો છે.
રાજકોટ મનપા દ્વારા કાલે વોર્ડ નં.7માં આઠમો સેવાસેતુ કાર્યક્રમ
