જન્માષ્ટમી કરવા મથુરા પહોંચેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો
જન્માષ્ટમી કરવા મથુરા પહોંચેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની તબીયત અચાનક લથડી છે. તેમને શ્વાસ લેવામાં સમસ્યા હોવાનું જાણવા મળે છે. આ ફરિયાદ બાદ તેમને તાત્કાલિક ઓક્સીજન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ થયો હતો જે પોઝિટિવ આવ્યો છે.
જાણવા મળ્યાનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ મહંત નૃત્ય ગોપાલ દાસ જન્માષ્ટમી કરવા મથુરા આવ્યા હતા જ્યાં તેમની તબિયત અચાનક ખરાબ થઈ હતી. તેમને તાવ આવવા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ થઈ હતી. તેમની તબિયત લથડતા ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા. તેમની સારવાર મથુરાના સીતારામ આશ્રમમાં જ ચાલી રહી છે. આ સાથે જ કોવિડ-19ની ટીમ પણ આશ્રમ પહોંચી હતી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ અયોધ્યા મંદિરના 2 પુજારી કોરોનાથી સંક્રમિત થયા હતા. આ ઉપરાંત કેટલાક પોલીસકર્મી પણ કોરોના પોઝિટિવ હતા. આ સંકટ વચ્ચે રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જો કે તે સમયે સોશિયલ ડિસ્ટંસિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ મહંત નૃત્ય ગોપાલ દાસના સ્વાસ્થ્ય અંગે તેમના સમર્થકો અને જિલ્લાધિકારીઓ સાથે વાત કરી હતી. સીએમ યોગીએ મેદાંતા હોસ્પિટલમાં પણ વાત કરી હતી અને મહંત નૃત્ય ગોપાલ દાસને જરૂરી મેડિકલ સુવિધા પુરી પાડવા આદેશ કર્યા હતા.