ગુજરાત (ભાજપા)ના રાજકારણને આપશે નવી દિશા
લક્ષ્ય પેટાચૂંટણી નહીં, પાટીલનો લક્ષ્યાંક રહેશે પક્ષની સ્થિતિ મજબૂત કરવાનો
કોઈ વરતારો, આગાહી કે સંભાવના નહીં.. સરકાર અને સંગઠનમાં પરિવર્તન
નિશ્ર્ચિત છે, પાટીલ દ્વારા સંગઠનમાં થનારા પરિવર્તન બધા જ સંકેત આપી જશે
ભવ્ય રાવલ
ગુજરાતનાં એક ચોક્કસ જ્ઞાતિ, જાતિ કે પ્રદેશની જગ્યાએ ગુજરાત બહારનાં મહારાષ્ટ્રીયન જલગાંવનાં વતની ચંદ્રકાંત રઘુનાથ પાટીલ – સી.આર. પાટીલને ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ બનાવી બીજેપી હાઈકમાન્ડે આડકતરી રીતે આજ પછીથી નાત, જાત, કોમ, સંપ્રદાય કે સમુદાય આધારિત પદ નિયુક્તિની રણનીતિ પર પૂર્ણવિરામ મૂકવાનો સંદેશ આપી દીધો છે. પાટીલ ગુજરાતની પ્રજા અને ગુજરાત બહારનાં પરપ્રાંતીયોમાં સંતુલન સાધવામાં સફળ રહેશે. એમ સમજો કે ભાજપે પાટીલને મેદાનમાં ઉતારી હુકમનો એક્કો ફેક્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર. પાટીલનું લક્ષ્ય પેટાચૂંટણી નહીં, પાટીલનો લક્ષ્યાંક પક્ષની સ્થિતિ મજબૂત કરવાનો રહેશે.
વર્ષોથી મોદી, શાહ જેવા ટોચનાં નેતાઓની નજીક હોવાનો નફો જેમ અન્ય સત્તાસ્થાને બિરાજેલા લોકોને થયો છે એમ પાટીલને પણ થયો, પાટીલ મોદી સહિત સંઘ નેતાઓનાં નજીક છે. અલબત્ત સી.આર. પાટીલને ગુજરાત ભાજપનું પ્રમુખ પદ તેમની વફાદારીનાં ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હોય એવું લાગે છે કારણ કે, જ્યારે ગુજરાત ભાજપ ’કેશુભાઈ જૂથ’ અને ’નરેન્દ્રભાઈ જૂથ’ એમ બે ભાગ પડ્યા, ત્યારે સી.આર. પાટીલે નરેન્દ્રભાઈ જૂથ સાથે રહેવાનું પસંદ કર્યું હતું. આજે જૂઓ પટેલો, ક્ષત્રિયો, ઓ.બી.સી. કે સૌરાષ્ટ્રીયનોને પાછળ છોડી સી.આર. પાટીલ ગુજરાત ભાજપનાં મુખીયા બની ગયા, તેમને તેમની વફાદારીનું ફળ મળ્યું.
બેશક નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર. પાટીલનાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પક્ષની તાસીર અને તસવીર બંને બદલાશે. જન્માષ્ટમી બાદ રાજ્યની રૂપાણી સરકારનાં મંત્રીમંડળમાં તો પ્રદેશ ભાજપ સંગઠનમાં ઘણા ફેરબદલ જોવા મળશે. જેમાં પણ જ્ઞાતિ, જાતિ, પ્રદેશ કરતા કોણ સરકાર-સંગઠનને કેટલું ઉપયોગી સાબિત થયું છે કે થઈ શકે એ આધારિત જ સત્તા-જવાબદારી સોંપાશે-વહેંચાશે. જે નારાજ થાય તેમને બોર્ડ-નિગમોની ખાલી પડેલી જગ્યાઓ પર અધ્યક્ષ-ઉપાધ્યક્ષ બનાવી લેવાશે એ પણ સ્પષ્ટ છે. સાથે એ પણ એટલું જ સ્પષ્ટ થઈ ગયું છે કે, પક્ષ પ્રમુખ પાટીલ પક્ષમાં કઈ રીતે પરિણામલક્ષી પરિવર્તન લાવશે. મતલબ કે, બધું જ પ્રીપ્લાન્ડ યા કહો તો વેલપ્લાન્ડ છે જેનું ઈમ્પ્લીમેન્ટ શોર્ટ ટર્મમાં જોવા મળશે અને આ બધાનું રિઝલ્ટ પણ પોઝિટિવ આવશે.
આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ, મહાનગરપાલિકાની ચૂંટણીઓ અને પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે એવા સમયે પાટીલ કોંગ્રેસી નેતાઓને સામ, દામ, દંડ, ભેદથી ભાજપમાં ભેળવશે કે પોતાના જ પક્ષનાં પ્રબળ દાવેદાર પર દાવ માંડશે એ જોવું રહ્યું. સી.આર. પાટીલ મેનેજેમેન્ટ કરવામાં માસ્ટર છે હવે એ ક્યાં પ્રકારે કેવું અને કેટલું મેનેજમેન્ટ કરશે કે પછી સંપૂર્ણ સેટેલમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે એ તો થોડા દિવસોમાં ખબર પડી જશે પણ હા, પાટીલ અશક્ય એવા ઉત્તર-દક્ષિણ ગુજરાત પટ્ટાનાં અંતરિયાળ વિસ્તારોમાં ભાજપનો ડેમેજ કંટ્રોલ આરામથી કરી નાખશે. ઉપરાંત પાટીલ ગુપ્ત રણનીતિનાં ભાગ સ્વરૂપે સંગઠનમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નેતાઓને વધારે સ્થાન આપશે એવું લાગી રહ્યું છે. કારણ કે, સામાજિક સમીકરણ અને સરકાર સામેની નારાજગીના કારણે છેલ્લા કેટલાંક સમયમાં સૌરાષ્ટ્રમાં ભાજપને ખાસું નુકસાન થયું છે. એટલે સૌરાષ્ટ્રમાં ભાજપનું સંગઠન મજબૂત બનાવવું અને ભાજપ સરકારની છબી સુધારવી એ પણ પાટીલની પ્રાથમિકતા રહેશે. આ સિવાય આગામી ત્રણ વર્ષે માટે સી.આર. પાટીલની પ્રદેશ ટીમમાં નવા ચહેરા અને જૂના મોહરા બંને જોવા મળશે.
ગુજરાત ભાજપનાં મુખ્યમંત્રી રંગુન, બર્માનાં છે તો ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ મહારાષ્ટ્રનાં. વિજયભાઈ રૂપાણી સૌરાષ્ટ્રમાં સૌ કોઈનાં લોકલાડીલા છે તો સી.આર પાટીલ સુરત બાજુનાં શ્રમિકોથી લઈ શેઠિયાઓ સુધીમાં પોપ્યુલર છે. ગુજરાતની ભાજપ સરકાર અને ગુજરાતનાં ભાજપ સંગઠન વચ્ચેનાં તાલમેલ કે તકરારમાં પાટીલનાં આવવાથી બહુ ફરક પડશે નહીં. વિજયભાઈ રૂપાણી સરકારનાં મંત્રી કે માણસોને પણ પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ બનતા કઈ ખાસ આંચકો આવ્યો કે અસર થઈ નથી પણ હા, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાટીલ સામે સૌથી પહેલો અને મોટો પડકાર હશે – સૌરાષ્ટ્રનાં નેતાઓ. ઉપરાંત ઓ.બી.સી., ક્ષત્રિય અને પાટીદાર સિવાયનાં સમાજનાં નેતાઓને સંગઠનમાં સાથે લઈ ચાલવાનો કાંટાળો માર્ગ.
સી.આર. પાટીલનાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બનવાથી ગુજરાત ભાજપનાં સંગઠનમાં મહામંત્રી, મંત્રી, ઉપાધ્યક્ષ સહિતનાં પદ ઉપર મોટાપાયે ફેરફારો થવાના છે. હાલમાં જ સી.આર. પાટીલની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત એ માત્ર શુભેચ્છા મુલાકાત ન હતી પરંતુ સંગઠનમાં ઈચ્છિત પરિવર્તન માટેની મુલાકાત હતી. બધી બાબતોને ધ્યાને લેતા મારી દ્રષ્ટિએ આ કોઈ વરતારો, આગાહી કે સંભાવના નથી, સંગઠનમાં ફેરફાર એ વ્યવસ્થાનો ભાગ છે એટલે ટૂંકસમયમાં ભાજપમાં જરૂરિયાત મુજબ ફેરફારો થશે. પરિવર્તન નિશ્ચિત છે, પાટીલ દ્વારા સંગઠનમાં થનારા પરિવર્તન બધા જ સંકેત આપી જશે..
- Advertisement -
અમુક રિપીટ થશે, કેટલાકને રિજેક્ટ કરાશે
પ્રદેશ ભાજપના મહામંત્રી, સહ સંગઠન મહામંત્રી ઉપરાંત પ્રદેશ ભાજપનાં ચાર મહામંત્રીઓને બદલાવવાનું નક્કી છે. સૌરાષ્ટ્રમાંથી ગોરધન ઝડફિયા, ઉત્તર ગુજરાતમાંથી રજની પટેલ, મધ્ય ગુજરાતમાંથી ભાર્ગવ ભટ્ટ, ભરત પંડ્યા, પ્રદીપસિંહ વાઘેલા, અમિત ઠાકર, દક્ષિણ ગુજરાતમાંથી પૂર્ણેશ મોદીને મોકો મળી શકે છે. હાલ સંગઠનમાં 4 મહામંત્રી, 9 પ્રદેશ મંત્રી અને 8 ઉપાધ્યક્ષો કાર્યરત છે જેમાંથી અમૂક રિપિટ થશે તો કેટલાંકને રિજેક્ટ કરાશે.