દ્વારકા જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે હડમતીયા ગામ પાસે આવેલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પૂરના કારણે આજે હડમતીયા ગામના 3 વ્યક્તિ નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતાં. જો કે એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યાં છે. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.
ઘટનાની વિગત અનુસાર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ત્રણ યુવકોએ પાણીના ધસમસતા પ્રવાહમાંથી રસ્તો પાર કરવાનું જોખમ લીધુ હતું. જોકે, તેઓ રસ્તો પાર કરે તે પહેલા જ તેમને પાણીનો પ્રવાહ તાણી ગયો હતો. સ્થાનિકો દ્વારા એક સિક્યુરિટી ગાર્ડને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે 2ની શોધખોળ ચાલુ છે. ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ બોલાવવામા આવી છે. જેથી બંને યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે.
- Advertisement -
મહત્વનું છે કે જ્યારે આ ત્રણેય લોકો રસ્તો પાર કરી રહ્યાં હતા. ત્યારે ગામના લોકો વીડિયો ઉતારી રહ્યાં હતા. જેથી લોકોની સામે જ આ દુર્ઘટના બની હતી. પાણીના ધસમસતા પ્રવાહના કારણે લોકો કંઈ જ કરી શક્યા ન હતા. હાલ તો એકને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે 3ની શોધખોળ ચાલુ છે. (અહેવાલ : અંકિત સામાણી )