કીર્તિ મંદિરના દર્શન : જામનગર એરપોર્ટ પર મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા સ્વાગત
દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ આજે સવારે જામનગર એરપોર્ટ ખાતે પહોંચતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું તે બાદ દ્વારકા ખાતે પહોંચી નાગેશ્ર્વર અને દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા હતા. આ બાદ તેઓ બપોરે પોરબંદર ખાતે પહોંચી કીર્તિ મંદિરના દર્શન કરશે. બપોર બાદ તેઓ સોમનાથ પહોંચશે. સોમનાથ મંદિરે દર્શન બાદ ભાલકા તીર્થના દર્શન કરવાના છે.
- Advertisement -
તે બાદ ઉપરાષ્ટ્રપતિ સાંજે રાજકોટથી દિલ્હી પરત રવાના થવાના છે. દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજી દ્વારકાધીશના મંદિરે દર્શનાર્થે જતા પહેલા પોતાની યાત્રા દરમિયાન જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું જ્યાં તેમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જ્વલંત ત્રિવેદી ચીફ પ્રોટોકોલ ઓફિસર, કલેકટર ડો. સૌરભ પારઘી, એર કોમોડોર આનંદ સોંધી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
ગુજરાતની મુલાકાતે પધારેલ માન.ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુનું જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. pic.twitter.com/bUrc0HMFmV
- Advertisement -
— CMO Gujarat (@CMOGuj) August 6, 2022
દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુનું આજે સવારે 9.45 કલાકે દ્વારકા ખાતે આગમન થયું છે. દ્વારકા હેલિપેડ ખાતે તેઓનું રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, દેવભૂમિ દ્વારકાના કલેકટર મુકેશ પંડ્યા તથા દેવભૂમિ દ્વારકાના એસ.પી. નિતેશ પાંડેએ ગરીમા સાથે ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું. બાદમાં તેઓએ પરિવારજનો સાથે નાગેશ્ર્વર જ્યોતિર્લિંગ તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પ્રસ્થાન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિના આગમનને પગલે દ્વારકા હેલિપેડ પર ચુસ્ત પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી હતી,
તેમજ એમ્બ્યુલન્સ, આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ, તેમજ ફાયર ફાઇટર્સ વેહિકલ્સ સાથે ફાયરબ્રિગેડનો સ્ટાફ તેમજ જામનગર એરફોર્સના અધિકારીઓ તહેનાત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. શ્રાવણ માસમાં દેવદર્શનનું અનેરૂ મહત્વ છે ત્યારે તેઓ પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશ તેમજ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા છે. દરમિયાન તેઓ પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિમંદિરની પણ મુલાકાત લેશે અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે.