પરખ ભટ્ટ
ઇતિહાસકારો પુરાતત્વશાસ્રીઓ, વૈજ્ઞાનિકો અને તત્વચિંતકોનો મુખ્ય મુદ્દો બની ચૂકેલી દ્વારકાનું મહત્વ સવિશેષ એટલા માટે છે કારણકે જરાસંઘનાં ત્રાસથી પોતાની પ્રજાને બચાવવા માટે સ્વયં લીલાધરે, ભગવાન વિશ્વકર્માને અહીં ‘નગર’ ખડું કરવાનો આદેશ આપ્યો હતો. 17 વખત મથુરા પર આક્રમણ કરીને કારમો પરાજય જોઇ ચૂકેલ જરાસંઘ હજુ પણ અટકવાનું નામ નહોતો લઈ રહ્યો. કૃષ્ણને થયું કે આવું જ ચાલતું રહ્યું તો એક દિવસ તેની પ્રજાનું ભવિષ્ય જોખમમાં મૂકાઈ જશે. આથી તેમણે પોતાનાં નગરજનોને ગુજરાતનાં દરિયાકિનારે એક શહેર ઉભું કરી ત્યાં સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો. યાદવો માટે ભવ્ય નગર ઉભું કરવા કૃષ્ણે વિશ્વકર્માને તેનું બાંધકામ કરવા જણાવ્યું. પરંતુ સમસ્યા એ હતી કે દ્વારકાનાં નિર્માણ માટે 12 યોજન જમીનની આવશ્યકતા હતી, જે દરિયામાં ગરકાવ થયેલી હતી. કૃષ્ણે સમુદ્રદેવ પાસે પોતાને જમીન ફાળવવા માટે યાચના કરી. ફળસ્વરૂપ, સોના, હીરા-મોતી-માણેકથી મઢેલ ભવ્યાતિભવ્ય નગરીનું બાંધકામ શરૂ થયું.
મહાભારત પૂર્ણ થયા બાદ ગાંધારીનાં શ્રાપને કારણે યદુવંશનો સર્વનાશ નિશ્ચિત હતો. કૃષ્ણ પણ હવે સાંસારિક જીવનનો ત્યાગ કરી વાનપ્રસ્થ કરવા ઇચ્છતાં હતાં. તેમણે યાદવોને દ્વારકા છોડી અન્યત્ર સ્થળાંતર કરી જવાની સલાહ આપી, કારણકે તેઓ જાણતાં હતાં કે ખૂબ ટૂંકા ગાળાની અંદર આખી નગરી સમુદ્રની આગોશમાં સમાઈ જવાની છે. વીસમી સદીમાં દ્વારકા પર અઢળક સંશોધનો હાથ ધરાયા. નિષ્ણાંતો દ્વારા મહાભારત અને હરિવંશ પુરાણનો અભ્યાસ કરાવીને તેમાંથી દ્વારકા-નગરીનું સાચું લોકેશન જાણવાનાં પ્રયાસો ચાલુ થયા. પૂર્વમાં પિન્દતથી શરૂ કરી, દક્ષિણમાં ઓખામઢી સુધી! ઉત્તરમાં શંખોધરા શહેર સુધી શોધખોળ આદરવામાં આવી. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (એ.એસ.આઇ.), નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશિયોનોગ્રાફી (એન.આઇ.ઓ) અને મરિન આર્કિયોલોજી યુનિટ (એમ.એ.યુ.)નાં સંયુક્ત પ્રયાસો વડે આખરે સમુદ્રમાં ગરકાવ થઈ ચૂકેલી દ્વારકા નગરીનાં પુષ્કળ અવશેષો પ્રાપ્ત થયા. નિષ્ણાંતોની દેખરેખ હેઠળ પ્રશિક્ષણ પામેલા મરજીવાઓ, ફોટોગ્રાફર્સ, દરિયામાં ઉંડે સુધી જઈ જૂની-પુરાણી ઇમારતોની શોધખોળ આદરી શકે તેવા પુરાતત્વશાસ્ત્રીઓની આખી ટીમને સમુદ્રનાં પાણીમાં ઉતારાઈ. 1983થી 1992 સુધી ચાલેલા આ પ્રોજેક્ટમાં પુરાતત્વશાસ્ત્રીઓને હાથ લાગેલા તમામ પુરાવાઓ અને કિંમતી વસ્તુઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવી. કાર્બન ડેટિંગ, થર્મો લ્યુમિનેસન્સ અને તેનાં જેવી અન્ય આધુનિક તકનિકીઓની મદદ વડે ઇમારતોની ઇંટ તથા ધાતુની ઉંમર જાણવાની પ્રક્રિયા ચાલુ થઈ. પ્રોજેક્ટ-હેડ મરિન આર્કિયોલોજિસ્ટ ડોક્ટર રાવ દ્વારા ‘લોસ્ટ સિટી ઓફ દ્વારકા’ નામે એક રિસર્ચ-પેપર રજૂ કરવામાં આવ્યું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે દરિયામાંથી પ્રાપ્ત થયેલ તમામ ચીજ-વસ્તુ અને બાંધકામનાં નમૂનાઓ ઇસવીસન પૂર્વે 1500ની સાલ (આજથી લગભગ 3500 વર્ષ પહેલાનાં) છે! સદીઓ પહેલા અહીં દ્વારકા વાસ્તવમાં નિર્માણ પામી હતી! (પાણીનાં પ્રવાહને લીધે ઘસાઈ ગયેલા) વિશાળકાય પથ્થરો પર ઉભી કરવામાં આવેલી મોટી-મોટી દીવાલો, એ વાતની ખાતરી આપે છે કે દ્વારકાનાં ચણતર માટે દરિયાકિનારાની જમીનનો પણ ઉપયોગ થયો હતો.
દરિયામાં પ્રાપ્ત થયેલી ચીજ-વસ્તુઓ પર ઉંડાણપૂર્વક પ્રયોગો થતાં દ્વારકાની સમૃધ્ધિ વિશેની કેટલીક બાબતો પણ જાણી શકાઈ. સોના-ચાંદી-હીરા-મોતી અને અન્ય કેટલુંક રાચરચીલું બરામત થયું. સંશોધકોએ દાવા સાથે કહ્યું કે દ્વારકાને અનેક વખત તોડીને તેનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. એમ.એસ.મેટ (ખ.જ. ખફયિં) અને ઝેડ.અંસારી (ણ. અક્ષતફશિ) જેવા મહાન પુરાતત્વશાસ્ત્રીઓની તનતોડ મહેનત જાણે રંગ લાવી રહી હોય એમ, દરિયામાંથી ઇસુનાં જન્મ પછીની પહેલી અને નવમી સદીમાં બનાવાયેલા મંદિરો મળી આવ્યા. તેમની શોધ પરથી પુરવાર થયું કે દ્વારકા ફક્ત કપોળ-કલ્પિત મગજની ઉપજ નહીં, પરંતુ વાસ્તવિક નગર હતું, જેને સુનામી જેવી કોઇક કુદરતી આફત પોતાની સાથે તાણી ગઈ!
લેબોરેટરીમાં મોકલાયેલા પથ્થરનાં ટુકડા પરથી વૈજ્ઞાનિકો દ્વારકાની સાચી ઉંમર જાણી શક્યા. ભારત સરકાર સમક્ષ પેશ થયેલા રિપોર્ટમાં જણાવાયું કે, દ્વારકાનું અસ્તિત્વ ફક્ત 60-70 વર્ષનું જ હતું. બહુ ટૂંકાગાળા માટે વસાવવામાં આવેલી આ નગરી ઇસવીસન-પૂર્વે 1443ની સાલમાં પૂરને લીધે વિનાશ પામી! (અહીં આપણું વિજ્ઞાન, ધર્મગ્રંથો કરતાં થોડુંક અલગ પડે છે. ઋષિમુનિઓનાં લખાણ મુજબ, શ્રીકૃષ્ણ જ્યારે દ્વારકા છોડીને ગયા ત્યારે દ્વાપર-યુગનો અંત અને કળિયુગની શરૂઆત થવાની હતી. આથી થોડું ઉંડાણપૂર્વક વિચારીએ તો, આજની તારીખ-પધ્ધતિ પ્રમાણે તે ઇસવીસન-પૂર્વે 3102નો સમયગાળો ગણી શકાય! જેનો સીધો મતલબ એમ થાય કે દ્વારકા ઓછામાં ઓછા 5000 વર્ષ પહેલા તો અસ્તિત્વ ધરાવતી હતી!) દ્વારકાની ખોજ થકી એટલું તો સાબિત થઈ જ ગયું કે પૌરાણિક સંસ્કૃતિ અને મહાભારત એ આપણા દેશની સૌથી મહાન વિરાસત છે.
શોધખોળ દરમિયાન પુરાતત્વશાસ્ત્રીઓને એમાંથી ત્રણ મોઢાવાળા પ્રાણીની આકૃતિ ધરાવતું સીલ મળી આવ્યું છે, જેને પુરાણકાણમાં દ્વારકાનાં નાગરિકોને અપાતું હતું. ઉપરાંત, ઇસવીસન-પૂર્વે 3000ની સાલનો એક ઘડો પણ હાથમાં આવ્યો! આ બંને ચીજ-વસ્તુઓનો ઉલ્લેખ મહાભારતમાં થયેલો છે. ડોક્ટર રાવે પોતે સ્વીકાર્યુ છે કે કૃષ્ણનું વ્યક્તિત્વ એક સમયે ખરેખર આ ધરતી પર શ્વાસ લેતું હતું! તદુપરાંત, શ્રીકૃષ્ણે યાદવોને આપેલ ચેતવણી અંગે વિગતવાર ખુલાસો કરતાં તેમણે જણાવ્યું કે આખું નગર પાણીમાં ગરકાવ થતાં પહેલા તેને ખાલી કરી દેવામાં આવ્યું હતું. મત્સ્ય પુરાણ, ભગવત પુરાણ અને હરિવંશ પુરાણમાં પણ જણાવાયું છે કે દ્વારકાને પૂર આવતાં પહેલાનાં સાત દિવસ અગાઉથી જ ખાલી કરી દેવાઈ હતી.
તમામ પુરાવાઓને ધ્યાનથી ચકાસીએ તો સમજાય કે, દ્વારકામાં આવી રહેલ પૂરને શ્રી કૃષ્ણ ઘણા દિવસો અગાઉથી જ પારખી ગયા હતાં. આથી તેમણે પોતાનાં નગરજનોને દ્વારકા છોડી અન્ય કોઇ ગામમાં વસી જવાની સલાહ આપી. પરંતુ ગાંધારીનો શ્રાપ સાચો પડતાંની સાથે જ યાદવકુળનો દરેક વ્યક્તિ એકબીજાનાં લોહીનો તરસ્યો બની ગયો અને જેનાં કારણે રચાઈ યાદવાસ્થળી..!!