શિક્ષણ સમિતિમાં જ્યાં-જ્યાં આપણી નજર પડે ત્યાં કૌભાંડો જ કૌભાંડો
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કૌભાંડોનું મૂળ એટલે શાસનાધિકારી કિરીટ પરમાર. શાસનાધિકારી કિરીટ પરમાર દ્વારા ચેરમેન અતુલ પંડિત, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયા સાથે મળી અનેક આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યા છે. આ સિવાય ખુદ કિરીટ પરમારે પણ એકલા હાથે કેટલાંક આર્થિક કૌભાંડોને શિક્ષણ સમિતિમાં અંજામ આપ્યો છે. ખાસ-ખબરને મળેલી વિગત મુજબ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચેરમેન સિવાય કોઈને ગાડી કે એ.સી. મળવા પાત્ર નથી. આમ છતાં વર્ગ 2ના કર્મચારી કિરીટ પરમારે પોતાની ચેમ્બરમાં એ.સી. રાખ્યું છે. એટલું જ નહીં, કિરીટ પરમારે ગાડી અને ડ્રાઈવર પણ રાખ્યા છે. હકીકતમાં વર્ગ 2 કર્મચારીને એ.સી. કે ગાડી કે ડ્રાઈવરની સુવિધા મળવા પાત્ર નથી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી પાસે પણ આ સુવિધાઓ નથી. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમારે ચેરમેન અતુલ પંડિત સાથે મિલીભગત કરી કેટલાક ગેરવાજબી થરાવ પસાર કરી સરકારી ખર્ચે પોતાની ચેમ્બરમાં એ.સી. તેમજ ગાડી અને ડ્રાઈવરની સુવિધા મેળવી છે જે તદ્દન ગેરવાજબી છે. સરકારી પૈસાનો દુરુપયોગ ઉપરાંત સત્તાનો પણ દુરુપયોગ હોય જવાબદાર અધિકારીઓએ આ અંગે તપાસ કરી શાસનાધિકારી કિરીટ પરમાર સહિત ચેરમેન અતુલ પંડિત પર પગલાં લેવા રહ્યા.
- Advertisement -
કિરીટ પરમારની એરકન્ડિશનરની જીદે ક્લાર્ક જીજ્ઞેશ ભટ્ટનો જીવ લઈ લીધો?
એવું ચર્ચાઈ રહ્યું છે કે, વર્ગ 2 કર્મચારી હોવા છતાં ગાડી, ડ્રાઈવર, એ.સી. સહિતની સુવિધાઓ મેળવવા કિરીટ પરમારે જીદ પકડેલી અને કિરીટ પરમારની જીદનો ભોગ ક્લાર્ક જીજ્ઞેશ ભટ્ટને બનવું પડ્યું હતું. કિરીટ પરમારે કોઈપણ સંજોગે પોતાને ગાડી, ડ્રાઈવર, એ.સી.ની સુવિધા મળે તે માટે ક્લાર્ક જીજ્ઞેશ ભટ્ટ પર દબાણ કરેલું હતું. કિરીટ પરમારના દબાણને જ કારણે સમગ્ર ઘટનાના ત્રણ દિવસ બાદ ક્લાર્ક જીજ્ઞેશ ભટ્ટનું હાર્ટએટેકથી નિધન થઈ ગયું એવું કહેવાય રહ્યું છે.
બાળકોનાં હક્કનાં પૈસે જલ્સા કરતાં ચેરમેન-શાસનાધિકારી
શાસનાધિકારી કિરીટ પરમાર જે લખલૂંટ ખર્ચાઓ કરે છે, ગાડીમાં ફરે છે, એરકન્ડિશનર રાખે છે, એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસે છે… એ બધુ અંતે તો બાળકોનાં હક્કનાં પૈસે જ કરે છે. જે રકમ બાળકો પાછળ ખર્ચાવી જોઈએ – તે શાસનાધિકારી અને પંડિત-સદાદિયા વગેરે જમી જાય છે. ગણવેશ કૌભાંડમાં પણ 5500 રૂપિયાની જોડી આપવામાં આવી છે અથવા તો પરાણે ખરીદી કરાવવામાં આવી છે – એ પણ અંતે તો બાળકોની ગ્રાન્ટમાંથી જ વપરાય છે.
ગાડી, ડ્રાઈવર અને એ.સી. શાસનાધિકારીને મળવાપાત્ર નથી છતાં કિરીટ પરમાર તેનો છૂટથી ઉપયોગ કરે છે