ચૂંટણી સુધારણા પર ચર્ચા શરૂ કરતા, વિપક્ષી સભ્ય કહે છે કે પ્રથમ પગલું મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની પસંદગી પર 2023 ના કાયદામાં સુધારો કરવો જોઈએ.
સંસદના શિયાળું સત્ર દરમિયાન મંગળવારે (9 ડિસેમ્બર) લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા થઈ રહી છે. ચર્ચામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)થી લઈને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની વિશ્વસનીયતાથી લઈને રાજકીય પાર્ટીને મળતા ફન્ડ પર વાત થઈ રહી છે. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં આ ચર્ચાની શરૂઆત કરી હતી. ચર્ચાની શરૂઆત પહેલાં સ્પીકર ઓમ બિરલાએ તેને સંવેદનશીલ ચર્ચા જણાવીને તમામ સભ્યોને આરોપ-પ્રત્યારોપથી બચીને ચૂંટણી સુધારા પર કેન્દ્રિત રહેવા માટે નિવેદન આપ્યું હતું.
- Advertisement -
ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ
મનીષ તિવારીએ ચર્ચાની શરૂઆતમાં કહ્યું કે, લોકતંત્રમાં મતદાર અને રાજકીય પાર્ટી મોટા ભાગીદાર છે. ચૂંટણી માટે એક ન્યૂટ્રલ અમ્પાયરની જરૂર છે, જેને જોતા ચૂંટણી પંચ બનાવવામાં આવ્યું હતું. રાજીવ ગાંધીની સરકારે દેશમાં સૌથી મોટું ચૂંટણી સુધારનું કામ કર્યું હતું. તેમણે 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને મતદાન અધિકાર આપ્યો. પરંતુ, આજે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઊભા થઈ રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી સુધારાની પ્રાથમિક જરૂરિયાત 2023ના કાયદામાં સુધારો કરવાની છે. તિવારીએ માંગ કરી કે, આમાં બે અન્ય સભ્યોને જોડવામાં આવે. ચૂંટણી પંચની નિયુક્તિની કમિટીમાં સરકાર અને વિપક્ષના બે-બે લોકો હોવા જોઈએ. આ સિવાય તેમાં CJIનો પણ સમાવેશ કરવો જોઈએ.
- Advertisement -
ચૂંટણી પંચ પાસે કાયદાકીય રીતે SIR કરાવવાનો કોઈ અધિકાર નથીઃ મનીષ તિવારી
SIRનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ સાંસદે કહ્યું કે, અનેક પ્રદેશોમાં SIR થઈ રહ્યું છે. ચૂંટણી પંચ પાસે કાયદાકીય રીતે SIR કરાવવાનો કોઈ અધિકાર નથી. પંચનું કહેવું છે કે, સેક્શન 21 હેઠળ તેમને આ અધિકાર મળે છે. બાદમાં મનીષ તિવારીએ આખા સેક્શનને વાંચ્યું અને કહ્યું કે, ન તો બંધારણમાં અને ન તો કાયદામાં SIRની કોઈ જોગવાઈ છે. ચૂંટણી પંચને એક હથિયાર તરીકે SIR આપવામાં આવ્યું હતું. જો મતદાર યાદીમાં કોઈ વિસંગતતા હોય, તો લેખિત કારણો આપ્યા પછી જ તેને સુધારવા માટે SIR કરી શકાય છે. સરકારે દરેક મતવિસ્તારમાં વિસંગતતાઓની વિગતો અને SIR શા માટે જરૂરી છે તે ગૃહ સમક્ષ રજૂ કરવું જોઈએ.




