ખાસ-ખબર સંવાદદાતા
સોશિયલ મીડિયા થકી જનમાનસને શર્મસાર કરતા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે અને અમુક ઈસમો દ્વારા સોશિયલ મીડિયા મારફત અનેક વિકૃત કૃત્યો થતાં હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે ત્યારે મોરબીમાં પણ આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના ગ્રામ્ય પંથકમાં રહેતી યુવતીને બદનામ કરવાના બદઈરાદે એક શખ્સે ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવીને યુવતીનો બિભત્સ વિડીયો વાયરલ કરી દેતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુન્હો નોંધીને આરોપીને દબોચી લીધો છે. મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનો બિભત્સ વિડીયો ફેસબુકના એક એકાઉન્ટમાં અપલોડ કરવામાં આવ્યો હતો તેમજ આ વાંધાજનક વિડીયો સાથે લખાણ પણ મુકવામાં આવ્યું હતું જેથી ફેસબુકમાં ફેક એકાઉન્ટ ઉપર યુવતીનો બિભત્સ વીડિયો વાયરલ થયો હોવાનું યુવતી અને તેના પરિવારના ધ્યાને આવતા પરિવાર પર આભ ફાટયું હતું અને બનાવ મામલે યુવતીને લઈને પરિવાર સીધો તાલુકા પોલીસ મથકે દોડી ગયો હતો ત્યારે ભોગ બનનાર યુવતીએ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે આઈટી એક્ટ અન્વયે ફરીયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વધુમાં આ ફેસબુક એકાઉન્ટ ઉપર યુવતીનો બિભત્સ વિડીયો ઉપરાંત અગાઉ વાંધાજનક ફોટા પણ મુકવામાં આવ્યા હતા ત્યારે આ વ્યક્તિ ખરેખર યુવતીનો પરિચિત છે કે કેમ ? તેમજ તેણે બ્લેક મેઈલ કરવાના ઈરાદે આ કૃત્ય આચર્યું છે કે કેમ ? તે સમગ્ર વિગતો જાણવા માટે પોલીસની અલગ અલગ ટીમોએ ખાસ ટેકનિયશનની મદદથી તપાસ હાથ ધરી હતી ત્યારે એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં આરોપી પ્રકાશ ધનજીભાઈ પારેચા (ઉ.વ. 21, રહે. શીતળા માતાજીના મંદિર વાળી શેરી, લીલાપર, મોરબી) ને ઝડપી લીધો હતો અને મોબાઈલ જપ્ત કરીને કાયદેસર કાર્યવાહી કરી હતી.