કેરળ દેશનું પહેલું રાજ્ય જેણે થિયેટર પરિસરમાં યુટ્યુબ રિવ્યુ પર પ્રતિબંધ લગાવ્યો
એક તરફ, સૂર્યા અને બોબી દેઓલ સ્ટારર ’કંગુવા’ બોક્સ ઓફિસ પર અપેક્ષિત બિઝનેસ ન કરી શકી. બુધવારે તમિલનાડુ પ્રોડ્યુસર્સ કાઉન્સિલએ થિયેટર માલિકોને એક લાંબો પત્ર લખ્યો છે. જેમાં, સિનેમા હોલના માલિકોને ફર્સ્ટ ડે ફર્સ્ટ શોને લઈને થિયેટર સામે યુટ્યુબર્સનો મેળાવડો રોકવા વિનંતી કરવામાં આવી હતી. એવો આરોપ છે કે, યુ ટ્યુબ ચેનલો જાણી જોઈને ફિલ્મો સામે નકારાત્મકતા ફેલાવે છે, જેની સીધી અસર ફિલ્મનાં બિઝનેસ પર પડે છે.
- Advertisement -
તમિલનાડુ પ્રોડ્યુસર્સ કાઉન્સિલે ’મૂવી રિવ્યુ’ના નામે ’દ્વેષ ફેલાવવા’ની નિંદા કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ’ઇન્ડિયન 2’, ’વેટ્ટિયન’ અને ’કંગુવા’ જેવી ફિલ્મો આ યુટ્યુબર્સના રિવ્યુને કારણે ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.આ પત્ર ત્યારે આવ્યો છે જ્યારે અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ ’પુષ્પા 2: ધ રૂલ’ 5મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. જ્યારે 14 નવેમ્બરે રિલીઝ થયેલી સૂર્યાની ’કંગુવા’ ફ્લોપ રહી છે. 300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ 6 દિવસમાં તમામ પાંચ ભાષાઓમાં માત્ર 59.90 કરોડ રૂપિયાની જ કમાણી કરી શકી છે.
ટીએનપીસીએ લખ્યું છે કે, ફિલ્મનાં સમીક્ષકો જાણી જોઈને ખામીઓને કહે છે અને ખામીઓની અતિશયોક્તિ કરે છે. આવાં લોકોને ફિલ્મ વિશે નકારાત્મક બોલવાનો અધિકાર છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત હુમલો કરી શકે નહીં અને આ પ્રકારની સમીક્ષાઓ સમગ્ર ફિલ્મનાં વ્યવસાયને નુકસાન પહોંચાડે છે. પત્રમાં આગળ લખ્યું છે કે, ’ટીકા કરવામાં કોઈ બુરાઈ નથી. પત્રકારો જવાબદારીપૂર્વક ટીકા કરે તો તે સારું છે. પરંતુ મોટાભાગનાં યુટ્યુબર્સ અંગત લાભ માટે ’નફરત’ ફેલાવવાનું કામ કરે છે. જ્યારે લોકો અભિનેતાઓ અને નિર્માતાઓ પર વ્યક્તિગત હુમલા કરે છે, ત્યારે તે મહત્વપૂર્ણ છે કે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલાં તમામ સંગઠનો સાથે આવે અને આ પ્રથા પર રોક લગાવે. કેરળ દેશનું પહેલું રાજ્ય છે, જેણે થિયેટર પરિસરમાં યુટ્યુબ રિવ્યુ માટે પ્રતિબંધ લગાવ્યો છે.