નવા નોંધાયેલા યુવા મતદારોમાં ઉત્સાહ : નવા 1.77 લાખ મતદારો ઉમેરાયા
મનપા ચૂંટણી મંથન
પક્ષનાં ઉમેદવારો પોતાનું નામ ટીકીટ લિસ્ટમાં આવે એ માટે મહેનત કરી રહ્યા છે
પક્ષનાં ઉમેદવારો પોતાનું નામ ટીકીટ લિસ્ટમાં આવે એ માટે મહેનત કરી રહ્યા છે
18 વર્ષ થઈ ગયેલા યુવાનો પોતાનું નામ વોટીંગ લિસ્ટમાં આવે એ માટે મતદાર યાદી કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે
રાજકોટ મનપાની ચૂંટણી અગાઉ 1 લાખ જેટલા નવા મતદારોનું નામ નવી મતદાર યાદીમાં જોડાઈ ચૂક્યું છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા મતદારો ચૂંટણીનાં પરિણામમાં ધરખમ ફેરફારો સર્જી શકે છે
જે બેઠક પર 200-500 મત પર હાર-જીતનો ફેંસલો થતો હશે ત્યાં આ નવા મતદારો ચોંકાવનારા પરિણામો આવવામાં નીમીત્ત બનશે
આગામી રાજકોટ મનપા ચૂંટણીમાં યુવા મતદારો પર સૌથી મોટો દારોમદાર અને દરેક પક્ષની નજર રહેશે
રાજકોટ મનપા ચૂંટણી જીતવા રાજકીય પક્ષોએ યુવા મતદારોને રીઝવવા અલગથી વ્યૂહરચના ઘડવી પડશે
આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની શક્યતા છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કમર કસી રહી છે. રાજકોટમાં પણ મહાનગરપાલિકાનું મંથન શરૂ થઈ ગયું છે. એક તરફ જે-તે પક્ષનાં ઉમેદવારો પોતાનું નામ ટીકીટ લિસ્ટમાં આવે એ માટે મહેનત કરી રહ્યા છે તો બીજી તરફ 18 વર્ષ થઈ ગયેલા યુવાનો પોતાનું નામ વોટીંગ લિસ્ટમાં આવે એ માટે મતદાર યાદી કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષ જેટલો જ ઉત્સાહ નવા મતદારો પણ જોવા મળી રહ્યો છે. કારણ કે, એક વિગત મુજબ રાજકોટ મનપાની ચૂંટણી અગાઉ 1 લાખ જેટલા નવા મતદારોનું નામ નવી મતદાર યાદીમાં જોડાઈ ચૂક્યું છે અને હજુ નવા મતદારોનાં નામ મતદાર યાદીમાં ઉમેરવાના તેમજ મતદાર સુધારણા યાદી કાર્યક્રમ ચાલુ જ છે.
રાજકોટ મહાનગરપાલિકાની સંભવીતપણે ફેબ્રુઆરી 2021માં યોજાનારી 18 વોર્ડના 72 બેઠકોની સામાન્ય ચૂંટણીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી મતદાર યાદીને બેઇઝ બનાવીને મતદાન કરવામાં આવશે. આ માટેનો રાજકોટ પૂર્વ, પશ્ર્ચિમ અને દક્ષિણ વિધાનસભા મત વિસ્તાર મતદાર યાદીનો પ્રાથમિક મુસદો મહાનગરપાલિકાને સોંપી દેવામાં આવશે અને તેના પરથી ચૂંટણી યોજવામાં આવશે. આ દરમિયાન ખાસ અગત્યની બાબત છે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા મતદારો ચૂંટણીનાં પરિણામમાં ધરખમ ફેરફારો સર્જી શકે છે. કારણ કે, ગત રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીનાં આંકડાઓ પર નજર કરીએ તો જીતનાર અને હારનાર ઉમેદવાર વચ્ચે મોટાભાગે મતોનું અંતર બેથી ત્રણ આંકડાનું જ હતું. એટલે કે, જે બેઠક પર 200-500 મત પર હાર-જીતનો ફેંસલો થતો હશે ત્યાં આ નવા મતદારો ચોંકાવનારા પરિણામો આવવામાં નીમીત્ત બનશે.
- Advertisement -
આજથી બે મહિના અગાઉ ઓક્ટોબર મહિનામાં મનપા દ્વારા મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજકોટના 18 વોર્ડમાં 10.64 લાખ મતદારો હોવાનું દર્શાવાયું હતું. છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટમાં 2.16 લાખ નવા મતદારો નોંધાયા છે. સૌથી વધારે વોર્ડ નં. 1માં 70 હજાર મતદારો નોંધાયા છે અને સૌથી ઓછા વોર્ડ નં. 15માં 48 હજાર મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 5.51 લાખ પુરૂષ અને 5.12 લાખ મહિલા મતદારો છે. વર્ષ 2015માં 8.48 લાખ મતદારો હતા. જેમાં શહેરમાં ભેળવાયેલા માધાપર, મુંજકા, ઘંટેશ્વર, મોટામવા, મનહરપર ગામોના મતદારો સહિત કુલ 2.16 લાખ મતદારોનો વધારો થયો છે. આ નવા મતદારોમાં એકાદ લાખ જેટલા યુવા મતદારો છે. આમ, આગામી રાજકોટ મનપા ચૂંટણીમાં યુવા મતદારો પર સૌથી મોટો દારોમદાર અને દરેક પક્ષની નજર રહેશે.
કોરોનાકાળમાં યોજાનારી રાજકોટ મનપાની ચૂંટણીમાં વૃદ્ધો મતદાન કરવા જશે કે કેમ તે કહી ન શકાય પરંતુ આ વખતે મતદાર યાદીમાં નવા નામ નોંધાયેલા યુવા મતદારો મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને એ એકાદ લાખ જેટલા યુવા મતદારો પોતાનો જીવનનો પ્રથમ મત કોને આપશે એ તો કહી ન શકાય પરંતુ એટલું ચોક્કસથી કહી શકાય કે યુવા મતદારો પોતાના જીવનનો પ્રથમ મત આપવા અતિ ઉત્સાહિત જણાય છે અને તેમનો કિંમતી મત રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખૂબ જ કિંમતી સાબિત થશે. રાજકીય પક્ષોએ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા યુવા મતદારોને રીઝવવા અલગથી વ્યૂહરચના ઘડવી પડશે.
મતદાન કરવા ઉત્સુક છું
થોડા સમય પહેલા જ મારું નામ મતદાર યાદીમાં ઉમેરાયું છે. મતદાર યાદીમાં નામ ઉમેરાઈ જવાથી ખુશ છું, આવનાર ચૂંટણીમાં મતદાન કરવા ખૂબ જ ઉત્સુક છું. 18 વર્ષ થઈ ગયેલા દરેક નાગરિકે અચૂક મતદાન કરવું જોઈએ, મતદાન આપણો અધિકાર છે. – દેવાંશી ત્રિવેદી
- Advertisement -
એક-એક મતદાર અગત્યનો છે
મને અઢાર વર્ષ પૂર્ણ થતા મતદાનનો અધિકાર પ્રાપ્ત થઈ ચૂક્યો છે. હું મારા જેવા બીજા યુવાનોને પણ એ જ કહીશ કે તમે પણ તમારું નામ મતદાર યાદીમાં નોંધાવી લેજો. ચૂંટણી કોઈપણ હોય એક-એક મતદાર અગત્યનો છે અને એક મત આખી ચૂંટણીની બાજી પલટી શકે છે. આવનાર ચૂંટણીમાં હું જીવનમાં પહેલીવાર જરૂરથી મતદાન કરીશ. – દેવાંગી ગોસ્વામી
યુવાનોએ રાજકરણમાં
રસ લઈ મતદાન કરવું
રસ લઈ મતદાન કરવું
18 વર્ષનું ઉંમરે મતદાન કરવા મળે છે પરંતુ કોને મત આપવો કે કોને ન મત ન આપવો તેની ઘણા યુવાનોને ખબર હોતી નથી. યુવા મતદારો માતા-પિતા કહે તેને જ મત આપી આવે છે એટલે યુવાનો મતદારો રાજકરણમાં રસ લઈ યોગ્ય ઉમેદવાર-પક્ષને મત આપવો જોઈએ. મેં તો આગામી ચૂંટણીમાં કોને મત આપવો અને કોને નહીં તે અત્યારથી જ નક્કી કરી લીધું છે. – કેવીનગીરી ગોસાઈ
મતદાન જીવનમાં
સૌથી અગત્યનું કામ
સૌથી અગત્યનું કામ
ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે અને સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં યુવાનોની જનસંખ્યા સૌથી વધુ છે. યુવાનો જ આ દેશનું ભાગ્ય બદલશે અને જ્યારે મતદાનની વાત હોય તો મતદાન જીવનનું સૌથી અગત્યનું કામ છે. મતદાન વારેવારે કરવા મળતું નથી એટલે જ્યારે-જ્યારે અવસર મળે ત્યારે સમજી-વિચારી મતદાન કરવું.
હું પણ આગામી ચૂંટણીમાં પ્રથમવાર મતદાન
કરીશ. – કમલ પરબતાણી