આવ્યા નોરતા રે.. નોરતા રે…
નવરાત્રિમાં જસદણનાં ટ્યુબલાઈટ, જામનગરનાં ભગવાન, જૂનાગઢનાં બેઠા, રાજકોટનાં આગ અને પોરબંદરનાં ટોપી રાસ દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત
શેરી કે ચોકમાં થતા પરંપરાગત રાસ-ગરબાનો ઉત્સાહ અને ઉમંગ યથાવત
આદ્યશક્તિ માની આરાધનાનો પર્વ નવરાત્રિ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિમાં ધીરે-ધીરે શેરી કે ચોકમાં થતા રાસ-ગરબા ભૂલાઈ રહ્યાં છે અને લોકો મોટા-મોટા પાર્ટી પ્લોટમાં ડિસ્કો-દાંડિયા રમવા જઈ રહ્યાં છે ત્યારે કેટલાંક એવા પણ શેરી કે ચોકમાં થતા રાસ-ગરબા છે જેને જોવા લોકો ઠેર-ઠેરથી આવે છે. નવરાત્રિમાં જસદણનાં ટ્યુબલાઈટ, જામનગરનાં ભગવાન, જૂનાગઢનાં બેઠા, રાજકોટનાં આગ અને પોરબંદરનાં ટોપી રાસ દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત છે. હવે નવરાત્રિનાં મહાકાય આયોજનો સમક્ષ શેરી કે ચોકમાં થતા રાસ-ગરબાની પ્રથા વિસરાતી જાય છે. શેરી ગરબાનું આયોજનમાં મોળો પ્રતિસાદ મળતા શેરી ગરબાનાં આયોજનો વિખરાવવા માંડ્યા છે. ડિજેનાં તાલે પાર્ટી પ્લોટમાં થતા રાસ-ગરબાનાં રમઝટની બોલબાલા વચ્ચે લોકોમાં શેરી કે ચોકમાં થતા રાસ ગરબાનો આનંદ વિસરાતો જોવા મળી રહ્યો છે. એવા સમયે ક્યાંક-ક્યાંક અમૂક એવા પણ શેરી કે ચોકમાં થતા પરંપરાગત રાસ-ગરબા થાય છે જેણે પરંપરાગત રાસ-ગરબા પ્રત્યે લોકોનો ઉત્સાહ અને ઉમંગ યથાવત જાળવી રાખ્યો છે. વર્ષોથી નવરાત્રિ દરમિયાન જસદણનાં ટ્યુબલાઈટ, જામનગરનાં ભગવાન, જૂનાગઢનાં બેઠા, રાજકોટનાં આગ અને પોરબંદરનાં ટોપી રાસ લોકોનાં આકર્ષણ અને અચરજનું કેન્દ્ર બન્યા છે. આ પ્રાચિન રાસ-ગરબા પાછળની વર્ષો જૂની કથા, પરંપરા અને ખાસિયત જાણી એકવાર જોવા જવાનું મન અચૂક થશે.
- Advertisement -
ટ્યુબલાઈટ રાસ
જસદણની શક્તિ ગરબી મંડળ દ્વારા થતા ટ્યુબલાઈટ રાસમાં બાળાઓ માથા પર ટ્યુબલાઈટ ફોડે છે. છેલ્લાં 18 વર્ષથી થતા આ રાસને અટકાવવા માટે આ વિસ્તારના કેટલાક લોકો 4 વર્ષ પહેલાં કોર્ટમાં પણ ગયા હતા પરંતુ શક્તિ ગરબી મંડળ દ્વારા કરવામાં આવેલી દલીલને ગ્રાહ્ય રાખીને કોર્ટે આ રાસ પર મનાઈહુકમ આપવાની ના પાડી દીધી એટલે આ રાસ ચાલુ રહ્યો છે. ટ્યુબલાઈટ રાસમાં 8 બાળાઓ હોય છે, જે ટ્યુબલાઈટ સાથે રાસ રમે છે. રાસના અંત ભાગમાં આ 8 બાળાઓમાંથી 4 બાળાના માથે બાકીની 4 બાળાઓ પોતાના હાથમાં રહેલી ટ્યુબલાઈટ ફોડે છે એટલું જ નહીં રાસ જોવા આવેલા પ્રેક્ષકો દ્વારા આપવામાં આવતી ટ્યુબલાઈટ પણ બાળાઓનાં માથે ફોડવામાં આવે છે.
આગ રાસ
રાજકોટના જંક્શન વિસ્તારમાં થતા આગ રાસ માટે પોલીસવિભાગ પાસેથી પણ પરવાનગી લેવામાં આવે છે. આ રાસમાં બાળાઓની આંખે પાટા બાંધવામાં આવે છે અને પછી તેના માથે સળગતી ઇંઢોણી અને સળગતો ગરબો મૂકવામાં આવે છે. આટલું ઓછું હોય એમ આ રાસ ચાલતો હોય ત્યારે રાસના વર્તુળની વચ્ચે-વચ્ચે આગના કોગળા કરતો માણસ પણ આવ્યા કરે. આ રાસ એટલી હદે જોખમી છે કે એક તબક્કે પોલીસવિભાગે તેના પર પ્રતિબંધ પણ મૂક્યો હતો. જોકે ગરબી મંડળના સંચાલકોની અસરકારક રજૂઆતને કારણે રાસ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો અને રાસ માટે કેટલાક નિયમો બનાવવાની સાથે રાસ નવરાત્રિના નવેનવ દિવસ કરવાને બદલે ચાર દિવસ કરવાનું નક્કી કર્યું છે.
- Advertisement -
ભગવાન રાસ
જામનગરનાં લીમડાલેન વિસ્તારમાં ભારતમાતા આદર્શ ગરબી મંડળ દ્વારા થતો ભગવાન રાસ જોવાલાયક હોય છે. મહાદેવ, નારદ, કૃષ્ણ, વિષ્ણુ, ગણપતિ અને બીજા અનેક દેવતા મા દુર્ગાની આરાધના માટે ધરતી પર આવે અને દુર્ગાની આરાધના કરે એવી ભાવનાથી તૈયાર થયેલો આ રાસ જોવા લોકો છેક અમદાવાદ અને સુરતથી આવે છે. મા દુર્ગા સર્વ દેવી-દેવતાઓમાં સૌથી ઉપરના સ્થાને છે. જ્યારે ભગવાનો પણ રાક્ષસોથી ત્રસ્ત થઈ ગયા હતા ત્યારે તેમણે મા દુર્ગાને વિનંતી કરી અને રાક્ષસોના સંહાર માટે મા દુર્ગા ધરતી પર આવ્યાં. દુર્ગાની એ જીત પછી બધા ભગવાન ખૂબ નાચ્યા હતા. એ જ વાતને હવે રાસ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. આ ભગવાન રાસની ખાસિયત એ છે કે એના માટે કોઈ પૂર્વતૈયારી કરવામાં નથી આવતી કે ખેલૈયાઓને કોઈ સ્ટેપ આપવામાં આવતાં નથી. ખેલૈયાઓ પોતે ભગવાનના વાઘામાં આવે છે. બીજી ખાસિયત એ કે આ રાસમાં માત્ર પુરુષો જ હોય છે. આ રાસ પછી બધા ભગવાન એકસાથે મા દુર્ગાને નમન કરે છે.
ટોપી રાસ
પોરબંદરના ભદ્રકાળી માતાના મંદિરે રમાતા ગરબાઓ ફ્રી સ્ટાઈલમાં છે, પણ આ ગરબાની એક શરત છે. અહીં રાસ રમવા માગતા ખેલૈયાઓએ ટોપી પહેરવી ફરજિયાત છે. આ ગરબાની બીજી પણ એક શરત છે કે અહીં માત્ર પુરુષો જ રમી શકે. શરૂઆતનાં વર્ષોમાં પુરુષો અહીં ચણિયા-ચોળી પહેરી ગરબા કરતા પણ કાળક્રમે આ પ્રથામાં છૂટછાટ લેવાની શરૂઆત થઈ. પહેલાં વાળ ઉતારવાનું અને પછી મહિલાઓનાં કપડાં પહેરવાનું બંધ થયું, પણ માથું ઢાંકેલું રાખવાની પ્રથા અકબંધ રહી જે છેલ્લા આ જ દિવસ સુધી અકબંધ છે. ગરબા એ મહિલાઓની ઈજારાશાહી કહેવાય, પણ ભદ્રકાળી માતાના મંદિરે થતા ગરબામાં કોઈ મહિલાઓ રાસ નથી રમતી. મંદિરના પટાંગણમાં પુરુષો ગરબા રમે અને મહિલાઓ આ ગરબા જુએ.
બેઠા ગરબા
પાકિસ્તાન સાથે જોડાવા માગતા જૂનાગઢના નવાબ મોહબતઅલી ખાને એ અરસામાં જૂનાગઢના લોકોને નવરાત્રિ રમવા કે ઊજવવા પર પ્રતિબંધ જાહેર કરી દીધો એટલે હિન્દુઓએ આજુબાજુનાં ઘરને ભેગાં કરીને જેમ સોસાયટીમાં ગરબા થાય એમ જ બેઠા ગરબા ઘરમાં શરૂ કર્યા. જમીન પર બેઠા રહેવાનું અને ગરબા રમવાના. નવાબનો હુકમ નહીં માનવાની સજા ભોગવવી ન પડે એ માટે એ સમયે ધીમા સાદે અને અવાજ ન થાય એ રીતે ગરબા રમવામાં આવતા. તાળી પણ સાવ ધીમી પાડતા એમ છતાં ચારથી પાંચ જૂથ નવાબના સૈનિકોના હાથમાં પકડાઈ ગયું હતું જેમાંથી ચારને નવાબે મૃત્યુદંડ ફટકાર્યો હતો. આ જે લોકો માર્યા ગયા એટલે જૂનાગઢના પુરુષોએ નક્કી કર્યું કે હવેથી બેઠા ગરબામાં માત્ર પુરુષો જ ભાગ લેશે. જે પ્રથા હજી પણ ચાલુ રહી છે અને નવાબના જુલમ વચ્ચે પણ જૂનાગઢમાં માતાજીની નવરાત્રિ ઊજવાતી રહી એ દેખાડવા આજે પણ બેઠા ગરબા થાય છે. રાતે 9 વાગ્યે શરૂ થતા આ ગરબામાં પુરુષો એકત્રિત થાય અને રાતે 12 વાગ્યા સુધી ગરબા રમે. આ ગરબામાં કોઈ ઊભું નથી થતું, બધાં બેઠાં-બેઠાં ગરબા ગાય અને તાળીઓ પાડે. જેમ ગરબી મંડળમાં બાળાઓને લહાણી આપવામાં આવે એમ અહીં પણ પુરુષોને લહાણી આપવામાં આવે છે.