સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્કનું માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ‘X’ ફરી એકવાર વિશ્વભરમાં ડાઉન થયું હતું. સોમવારે (10મી માર્ચ) ત્રણ વખત છે ‘X’ ઠપ થયું હતું. જેના કારણે યુઝર્સ લોગ ઈન કરી શકતા નથી. ઘણાં યૂઝર્સ ડાઉન ડિટેક્ટર વેબસાઇટ પર ફરિયાદો નોંધાવી છે. એલોન મસ્કે X પર સાયબર હુમલો થયો હોવાનું કહ્યું તે પછી કુખ્યાત પેલેસ્ટાઇન તરફી હેકર જૂથ ડાર્ક સ્ટોર્મ ટીમે ટેલિગ્રામ પરના આ સાયબર હુમલાની જવાબદારી લીધી હતી.
સોમવારે જ્યારે Xનું સર્વર સતત ડાઉન હતું, ત્યારે એલોન મસ્કે તેના પર પ્રતિક્રિયા આપી હતી. મસ્કે કહ્યું X પર સાયબર હુમલો થયો છે. X પર દરરોજ સાયબર હુમલા થઈ રહ્યા છે, પરંતુ આ વખતે X ને મોટા પાયે નિશાન બનાવવામાં આવ્યું છે. શું આ કોઈ ખતરનાક જૂથનું કામ છે કે પછી કોઈ દેશ પણ તેમાં સામેલ છે? તેની ચકાસણી કરવામાં આવી રહી છે. હેકર ગ્રુપે જણાવ્યું કે તેમણે Xના સર્વરને કેવી રીતે ડાઉન કર્યું.
- Advertisement -
આવી રીતે થાય સર્વર ડાઉન
એલોન મસ્કની પ્રતિક્રિયા પછી, કુખ્યાત પેલેસ્ટાઇન તરફી હેકર જૂથ ડાર્ક સ્ટોર્મ ટીમે ટેલિગ્રામ પરના સાયબર હુમલાની જવાબદારી લીધી અને કહ્યું કે X ના સર્વરને ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ (DDoS) હુમલા દ્વારા ડાઉન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ (DDoS) એટેક હેકિંગથી અલગ છે, પરંતુ તે એક સાયબર એટેક છે જેમાં હેકર્સ વેબસાઇટ અથવા સર્વર પર એટલો બધો નકલી ટ્રાફિક મોકલે છે કે તે કામ કરવાનું બંધ કરી દે છે અને તે વેબસાઇટનું સર્વર ડાઉન થઈ જાય છે. આ સાયબર હુમલામાં, ઘણા બધા કમ્પ્યુટર્સ અથવા બોટનેટનો ઉપયોગ સર્વરને એક જ સમયે ઘણી વિનંતીઓ મોકલવા માટે થાય છે, જેના કારણે તે વધુ પડતા લોડને કારણે કામ કરવાનું બંધ કરી દે છે.
આ જૂથે ઇઝરાયલ અને નાટો દેશોને ધમકી આપી છે
- Advertisement -
DDos હુમલા દ્વારા X ના સર્વરને ડાઉન કરવાની જવાબદારી લેનાર ડાર્ક સ્ટોર્મ ટીમ હેકિંગ ગ્રુપ વિશે વાત કરીએ તો, આ એક કુખ્યાત હેકર ગ્રુપ છે જેણે વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓ પર હુમલો કર્યો છે. ફેબ્રુઆરી 2024 માં, આ જૂથે નાટો દેશો, ઇઝરાયલ અને તેના સાથી દેશો પર સાયબર હુમલાની જાહેરાત કરી. આ જૂથના હેકર્સ ખૂબ જ સંગઠિત રીતે સાયબર હુમલા કરવા માટે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે.
અમેરિકાના 2 એરપોર્ટ પર સાયબર હુમલો થયો હતો
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, આ જૂથે અન્ય હેકર જૂથો સાથે મળીને DDoS હુમલાનો ઉપયોગ કરીને અમેરિકાના બે મુખ્ય એરપોર્ટ, સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસ એરપોર્ટના સર્વરને ડાઉન કર્યા હતા. ઉપરાંત, ઓક્ટોબર 2024 માં, આ હેકર જૂથે DDos હુમલો કરીને ન્યૂ યોર્કના જોન એફ કેનેડી એરપોર્ટના સર્વરને થોડી મિનિટો માટે ડાઉન કરી દીધું હતું.
અહેવાલો અનુસાર, ‘સોમવારે બપોરે 3:30 વાગ્યે ‘X’ ડાઉન થયું હતું. પછી સાંજે 7 વાગ્યે લોકોને લોગ ઈન કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ત્રીજી વખત, X રાત્રે 8:44 વાગ્યે ફરીથી ડાઉન થયું હતું. વિવિધ સ્થળોએ લોકોને એપ અને સાઈટ પર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. વિશ્વભરના ઘણાં દેશોમાં યુઝર્સ X વિશે ફરિયાદ કરી રહ્યા છે.’